જૂનાગઢનાં જાેષીપરા અન્ડર બ્રિજમાં નિવૃત એએસઆઈની કાર ફસાઈ : સ્થાનીક લોકો અને ફાયર સ્ટાફ દ્વારા રેસ્કયુ કરાયું

જૂનાગઢનાં જાેષીપરા અન્ડર બ્રિજમાં નિવૃત એએસઆઈની કાર ફસાઈ : સ્થાનીક લોકો અને ફાયર સ્ટાફ દ્વારા રેસ્કયુ કરાયું

જૂનાગઢ તા.2
જૂનાગઢ શહેરમાં ગઈકાલે મેઘરાજાનું આગમન થતાં બપોરથી સતત વરસાદ વરસ્યો હતો અનેક સ્થળોએ પાણી ભરાવાનાં બનાવો બન્યા હતા. આ દરમ્યાન જાેષીપરાનાં અન્ડર બ્રિજમાં પાણી ભરાયું હતું. દરમ્યાન નિવૃત એએસઆઈ શંભુભાઈ પરમારની કાર અન્ડર બ્રિજમાં ભરાયેલા પાણીમાં ફસાઈ ગઈ હતી આ તકે સ્થાનીક લોકો અને ફાયર સ્ટાફની મદદથી તેને બહાર કાઢવામાં આવી હતી.
જૂનાગઢ શહેરનાં રેલ્વે ફાટકની વર્ષો જુની સમસ્યા રહેલી છે ત્યારે જાેષીપરા સહિતની ઓજી વિસ્તારની અનેક સોસાયટીઓમાં જવા - આવવા માટેનાં માર્ગ ઉપર આવેલા ફાટકને લઈને લોકોને ભારે મુશ્કેલી પડતી હતી. દરમ્યાન જૂનાગઢ મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવતા લોકોની સમસ્યાઓને હલ કરવા માટે લાખો રૂપિયાનાં ખર્ચે જાેષીપરા અન્ડર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને લોકોને અવર-જવર માટે આ રસ્તો અનુકુળ બન્યો હતો પરંતુ ચોમાસાનાં દિવસોમાં અન્ડર બ્રિજ ખાતે સતત પાણી ભરાયેલું રહેવાના કારણે આ માર્ગને દર ચોમાસામાં બંધ કરવો પડે છે. પાણી ઉલેચવા માટે મોટરોનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ભારે વરસાદમાં દર વર્ષે આ રસ્તો બંધ કરવાની ફરજ પડે છે. આ વર્ષે પણ પ્રથમ વરસાદે જ ગઈકાલે જાેષીપરાનાં અન્ડર બ્રિજમાં પાણી ભરાયું હતું અને પાણી ઉલેચવા માટેની કામગીરી હાથ ધરાઈ છે પરંતુ આ રસ્તો કેટલોક સમય સુધી બંધ રહેશે તેવું પણ જાણવા મળે છે. પાણીનાં નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે જાેષીપરાનાં અન્ડર બ્રિજ પાછળ લાખોનું આંધણ થયું હોવા છતાં લોકોને આ રસ્તો ચોમાસાના સમયે કામનો નથી રહેતો તેવી વર્ષો જુની ફરીયાદ છે.
જાેષીપરા અન્ડર બ્રિજની માફક જ ઝાંઝરડા વિસ્તારની સોસાયટીઓમાં જવા માટે ત્યાં પણ વર્ષો પહેલા અન્ડર બ્રિજ બનાવવામાં આવેલ છે. દર વર્ષે ચોમાસાનાં દિવસોમાં આ અન્ડર બ્રિજની હાલત ખૂબજ ખરાબ રહે છે. થોડોક વરસાદ થતાં જ આ અન્ડર બ્રિજમાં પાણી ભરાવાનાં કારણે કલાકો સુધી વાહન વ્યવહારને સ્થગીત કરવામાં આવે છે. દર વર્ષની આ સમસ્યા હોવા છતાં આજદિન સુધી કોઈ અસરકાર ઉપાય કે કામગીરી કરવામાં ન આવતા લોકોને ચોમાસાનાં દિવસો દરમ્યાન અવર-જવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે.