ગિરનારમાં યાત્રાળુઓની સુરક્ષા વધારાશે, રાજ્ય સરકારે લીધા મોટા નિર્ણયો

કાયમી ચેકપોસ્ટ, 25 ટ્રેકરની તૈનાતી, થર્મલ ડ્રોન સર્વેલન્સ અને SOP સહિતના પગલાં અમલમાં આવશે

ગિરનારમાં યાત્રાળુઓની સુરક્ષા વધારાશે, રાજ્ય સરકારે લીધા મોટા નિર્ણયો

જૂનાગઢ, તા.13
ગિરનાર પર્વત પર તાજેતરમાં બનેલી દુઃખદ ઘટનાના અનુસંધાને રાજ્ય સરકારે યાત્રાળુઓની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યા છે. ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં ગિરનાર અભ્યારણ્યમાં સુરક્ષા વ્યવસ્થા, વન્યજીવ સંરક્ષણ અને વહીવટી સંકલન અંગે વિસ્તૃત ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યા.
વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ગિરનાર વિસ્તારમાં જ્યાં વન્યપ્રાણીઓની અવરજવર વધુ રહે છે તેવા સંવેદનશીલ વિસ્તારોમાં કાયમી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવશે. આ ચેકપોસ્ટ દ્વારા સતત દેખરેખ રાખી જોખમની સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી શક્ય બનશે.
યાત્રાળુઓની સુરક્ષા માટે જૂનાગઢ કલેક્ટરના અધ્યક્ષસ્થાને વન વિભાગ, પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય સંબંધિત વિભાગોના સંકલનથી એક સર્વગ્રાહી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરવામાં આવશે. જેમાં સુરક્ષા, ઇમરજન્સી રિસ્પોન્સ અને વિવિધ વિભાગો વચ્ચેના સંકલનની સ્પષ્ટ માર્ગદર્શિકા રહેશે.
સરકારે ગિરનાર અને દાતારના સીડી માર્ગને 'સાયલન્સ ઝોન' તરીકે જાહેર કરવાનો નિર્ણય પણ લીધો છે. આ પગલાથી વન્યજીવોને અનાવશ્યક ખલેલ ઓછી પહોંચશે અને માનવ-વન્યજીવ વચ્ચેના સંઘર્ષની શક્યતા ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
વન્યજીવોની હિલચાલ પર સતત નજર રાખવા માટે થર્મલ ડ્રોન સર્વેલન્સ શરૂ કરવામાં આવશે. સાથે જ ગિરનાર પર્વત પર વન વિભાગના 25 ટ્રેકરો કાયમી પેટ્રોલિંગ અને દેખરેખ માટે તૈનાત રહેશે.
સરકાર દ્વારા યાત્રાળુઓ અને સ્થાનિક લોકોને વન્યજીવ વિસ્તારમાં સુરક્ષિત રીતે કેવી રીતે વર્તવું તે અંગે જાગૃત કરવા વિશેષ જનજાગૃતિ અભિયાન પણ શરૂ કરવામાં આવશે. માર્ગદર્શન, સૂચનાઓ અને સુરક્ષા સંબંધિત માહિતી સતત પહોંચાડવામાં આવશે.
વનમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર ગિરનારમાં યાત્રાળુઓની સુરક્ષા અને વન્યજીવ સંરક્ષણ વચ્ચે યોગ્ય સંતુલન જળવાઈ રહે તે માટે તમામ જરૂરી પગલાં અસરકારક રીતે અમલમાં મૂકવા પ્રતિબદ્ધ છે.