દિવાળી પર્વ આડે હવે માત્ર ૧૭ દિવસ બાકી છે ત્યારે જૂનાગઢનાં બિસ્માર માર્ગો તત્કાલ નવા બનાવવા લોકોની માંગણી

દિવાળી પર્વ આડે હવે માત્ર ૧૭ દિવસ બાકી છે ત્યારે જૂનાગઢનાં બિસ્માર માર્ગો તત્કાલ નવા બનાવવા લોકોની માંગણી

જૂનાગઢ તા. ૩
જૂનાગઢ શહેરનાં લોકો ઘણાં લાંબા સમય થયા ખરાબ રસ્તાને  કારણે અપાર મુશ્કેલીનો સામનો સામનો  કરી રહયા છે અને ચોમાસાનાં દિવસોમાં તો રસ્તાઓ ખાડામાં ફેરવાઈ ગયા છે. દરમ્યાન સૌથી મોટા દિવાળીનાં તહેવાર આડે માત્ર ૧૭ દિવસ જ બાકી રહયા છે ત્યારે શહેરનાં ખરાબ રસ્તાઓ અંગે કોર્પોરેશન દ્વારા તત્કાલ કાર્યવાહી કરવાની માંગણી લોકોમાંથી ઉઠવા પામી છે. 
જૂનાગઢ શહેરનાં ખરાબ રસ્તાની સમસ્યા છેલ્લા ઘણાં સમય થયા પ્રવર્તી રહી છે. લોકો ખરાબ રસ્તાઓને કારણે ભારે હાલાકીનો સામનો કરી રહયા છે. જૂનાગઢનાં ખરાબ રસ્તાઓ અંગે  મુખ્યમંત્રીશ્રીએ  પણ ગંભીર નોંધ લીધી હતી અને  કોર્પોરેશનનાં તંત્રવાહકોને સુચનાઓ પણ આપી હતી કે જેમ બને તેમ જૂનાગઢનાં રસ્તાઓને સારા બનાવી આ સમસ્યામાંથી લોકોને મુકત કરવા જણાવેલ હતું. દરમ્યાન જૂનાગઢ કોર્પોરેશન તંત્ર દ્વારા એવું જાહેર કરાયું હતું કે, ચોમાસાનાં દિવસોને કારણે નવા રસ્તાઓ હાલ નહીં બને પરંતુ પેચવર્ક, રીપેરીંગની  કામગીરી હાથ ધરાશે.  ત્યારબાદ કોર્પોરેશન દ્વારા રસ્તાઓમાં થીગડા મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ  આ કામગીરીમાં પણ લોટ, પાણી ને લાકડા જેવો ઘાટ થયો હતો. આજે થીગડા માર્યા હોય અથવા ડામર પાથર્યો હોય ત્યાંજ વરસાદ પડે એટલે થીગડા ઉખડી જાય અથવા ડામરનું ધોવાણ થઈ જાય જેને કારણે રસ્તા હોય તેના કરતા ખરાબ થઈ જાય તેવી હાલત આજે  રસ્તાઓની છે. વચ્ચેનાં સમયમાં ર૦ થી રપ દિવસ  સુધી વરસાદે વિરામ લીધો હતો અને આયોજનબધ્ધ રસ્તાનું કામ કર્યુ હોત તો  રસ્તા અંગેની મુશ્કેલીમાંથી  લોકોને થોડી રાહત મળત, પરંતુ  તંત્રની ઢીલી નીતિ, બેદરકારી, અણઘડ કામો આપવા જેવી બાબતોને કારણે રસ્તાનો કાયમી ઉકેલ આવતો જ નથી. ગત રવિવારથી જૂનાગઢ શહેરમાં અષાઢી મેઘ વરસ્યા હોય તેવી સ્થિતી સર્જાણી હતી અને ગઈકાલે ગુરૂવારે પણ સારો વરસાદ પડયો હતો ત્યારે વરસાદને પગલે શહેરનાં રસ્તાઓની હાલત જે પહેલેથી જ ખરાબ હતી તે વધારે ખરાબ થઈ છે. આજે શહેરનાં લગભગ તમામ વિસ્તારમાં ખરાબ રસ્તાની સમસ્યાને પગલે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. નવરાત્રીનાં તહેવારનું સમાપન થયું છે. દશેરા પર્વની પણ ગઈકાલે ઉજવણી થઈ હતી. હવે સૌથી મોટો તહેવાર દિપાવલી અને નૂતન વર્ષનાં તહેવારો છે. દિવાળીનાં પર્વ આડે માત્ર ૧૭ દિવસ બાકી રહયા છે ત્યારે આગામી તહેવારોનાં સમયમાં જૂનાગઢ શહેરનાં રસ્તાઓને સારી રીતે રીપેર કરવામાં આવશે  ખરા? તેવો સવાલ લોકોમાં ઉઠયો છે. જાે કે ચોમાસાનો વરસાદ સતત વરસતો હોય તેવા સંજાેગોમાં નવા રસ્તા તો બની શકે નહીં તેવું જ્ઞાન તો આમ જનતામાં છે જ પરંતુ તહેવારોનાં આ દિવસોમાં ખાડાવાળા રસ્તાઓને વ્યવસ્થિત રીપેર કરી અથવા નવાબ બનાવી માણસને ચાલવા યોગ્ય બનાવવામાં આવે તેવી આમ જનતાની માંગણી છે.