જૂનાગઢમાંથી રૂા.૧.૧૦ કરોડની કિંમતનો હાઈબ્રીડ ગાંજાે ઝડપાયો
જૂનાગઢ-ઈવનગર રોડ પર એસઓજી-એલસીબીનું સંયુક્ત ઓપરેશન : ચાર આરોપીની ધરપકડ - ૩ ફરાર આરોપીઓની ઝડપી લેવા કાર્યવાહી
જૂનાગઢ તા.૩
જૂનાગઢ શહેરમાંથી રૂા.૧.૧૦ કરોડની કિંમતનો ૩.૬ કિલોગ્રામ હાઈબ્રીડ ગાંજાે ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ નજીક ઈવનગર રોડ પર એલસીબી અને એસઓજીએ કરેલી સંયુક્ત કાર્યવાહીમાં બાતમીના આધારે એક કારને રોકતા તેમાંથી હાઈબ્રીડ ગાંજા સાથે ૪ શખ્સો મળી આવ્યા હતા. પોલીસે ૩.૬૦૦ કિલોગ્રામ હાઈબ્રીડ ગાંજાે, કિ.રૂા.૧.૧૦ કરોડ તેમજ અન્ય મુદામાલ મળી કુલ રૂા.૧,૧૬,૭૧,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. જ્યારે પકડાયેલ આરોપીઓમાં ધવલ ભરાડ, રહે.વિસાવદર, હુશેનખાન તુર્ક, રહે.જૂનાગઢ, મુજાહીદખાન યુસુફજય, રહે.જૂનાગઢ, જહાંગીર શાહમદાર રહે.જૂનાગઢ વાળાની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓમાં વડોદરાનો એક અજાણ્યો શખ્સ, રાજકોટની મહિલા શેરબાનુ નાગાણી અને મોઈન સત્તાર ખંધા રહે.જૂનાગઢ વાળો શખ્સ ફરાર હોય, તેને ઝડપી લેવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે. વધુમાં આ અંગે પ્રાપ્ત વિગત મુજબ આ ગાંજાે થાઈલેન્ડના બેંગ્કોકથી લાવવામાં આવ્યો હતો. રાજકોટની મહિલા શેરબાનુ નાગાણી આ ગાંજાનો જથ્થો બેંગ્કોકથી લાવી હતી તેવું સુત્રોએ જણાવેલ છે. ગાંજાના જથ્થાના પ્રકરણમાં સંડોવાયેલ ત્રણ ફરાર આરોપીઓ વડોદરાનો શખ્સ, શેરબાનુ નાગાણી અને મોઈન સત્તાર ખંધાને ઝડપી લેવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે. તાજેતરના ઈતિહાસમાં જૂનાગઢ શહેરમાં પકડાયેલો આ સૌથી મોટો હાઈબ્રીડ ગાંજાનો જથ્થો છે. આટલી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપાતા ભારે સનસનાટી મચી ગઈ છે. આ આરોપીઓ દ્વારા અગાઉ પણ ગાંજાના જથ્થાની હેરાફેરી થઈ
છે કે કેમ ? તેમજ આ ડ્રગ્સ રેકેટમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે કેમ ? તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ સહિત રાજયના તમામ નાના-મોટા શહેરોમાં ડ્રગ્સનું દુષણ વ્યાપક બની રહ્યું છે. ડ્રગ્સ વિરૂધ્ધ પોલીસની કાર્યવાહી છતાં ડ્રગ્સના પેડલરો બેફામ બની રહ્યા છે. ત્યારે ડ્રગ્સની હેરાફેરી, તેના વેચાણ વિરૂધ્ધ અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. યુવાધનને ખતમ કરી નાંખતા ડ્રગ્સના દુષણને ડામવા માટે પોલીસ કડક કાર્યવાહી કરે અને ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલ આરોપીઓને સખ્ત સજા થાય તેવી કાર્યવાહી થવી જાેઈએ.


