ઈરાન-ઈઝરાયલ-અમેરીકા યુધ્ધનો આજે છઠ્ઠો દિવસ મહાવિનાશક યુધ્ધમાં પાંચ દિવસમાં ૧૧૪પ લોકોના મોત

પાંચ દિવસમાં અમેરીકાએ ઈરાન પર પ૦૦૦ બોમ્બ વરસાવ્યા

ઈરાન-ઈઝરાયલ-અમેરીકા યુધ્ધનો આજે છઠ્ઠો દિવસ મહાવિનાશક યુધ્ધમાં પાંચ દિવસમાં ૧૧૪પ લોકોના મોત

(એજન્સી)           તેહરાન  તા.૫:
મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા આ લોહિયાળ જંગમાં હિસાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ઈઝરાયલની વાયુસેનાએ સત્તાવાર રીતે દાવો કર્યો છે કે તેમણે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે. આ હુમલાઓને કારણે સમગ્ર ક્ષેત્રમાં ભયનું વાતાવરણ છે અને શાંતિની અપીલ વચ્ચે પણ બંને દેશો એકબીજા પર વિનાશક હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ચિંતા વ્યાપી ગઈ છે. ઈઝરાયલી સૈન્ય (IDF) દ્વારા સોશિયલ મીડિયા પર અપાયેલી જાણકારી મુજબ, ઓપરેશન શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ઈરાનના અલગ-અલગ વિસ્તારોમાં ૫૦૦૦થી વધુ મ્યુનિશન અને બોમ્બ ફેંકવામાં આવ્યા છે. આ હુમલાઓનો મુખ્ય ટાર્ગેટ રાજધાની તેહરાન અને તેની આસપાસના વ્યૂહાત્મક સૈન્ય ઠેકાણાઓ છે. ઈઝરાયલનું કહેવું છે કે આ હુમલાઓનો હેતુ ઈરાનના સૈન્ય માળખા અને મિસાઈલ લોન્ચિંગ સાઈટ્સને સંપૂર્ણપણે નષ્ટ કરવાનો છે, જેથી ઈઝરાયલ પર થતા હુમલાઓને રોકી શકાય.
બીજી તરફ, ઈરાને પણ આક્રમક વલણ અપનાવતા ઈઝરાયલ તરફ અનેક મિસાઈલો દાગી છે. આ મિસાઈલ હુમલા બાદ ઈઝરાયલમાં સાયરન વાગવા લાગ્યા હતા અને લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જોકે, ઈઝરાયલની અત્યાધુનિક ડિફેન્સ સિસ્ટમે આ મિસાઈલોને હવામાં જ તોડી પાડવાની કોશિશ કરી હતી. સુરક્ષાના ભાગરૂપે લોકોને અમુક સમય માટે શેલ્ટરમાં રહેવાની સૂચના આપવામાં આવી હતી. આ જવાબી કાર્યવાહીને કારણે યુદ્ધ હવે લાંબો સમય ચાલશે તેવા સંકેતો મળી રહ્યા છે.