શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જૂનાગઢ દ્વારા સમસ્ત શહેરને આવરી લેતા સમાજના દરેક પરિવારજનોનું સ્નેહમિલન યોજાશે
વિના સહકાર નહિ ઉધ્ધારની ઉમદા નેમ સાથે એક જ જગ્યાએ સમાજના દરેક પરિવારજનોને હોંશ ભેર જોડવા સ્નેહ નિમંત્રણ અપાયું
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૧
આગામી તા. ૨૦ ડિસેમ્બર, શનિવાર ૨૦૨૫ના રોજ બાલાજી ફાર્મ, ઝાંઝરડા બાયપાસ રોડ, ચોબારી રેલવે ફાટકની બાજુમાં, જૂનાગઢ ખાતે એક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ છે. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે તાજેતરમાં જ એક મિટીંગ પણ યોજવામાં આવી હતી અને જેમાં જ્ઞાતિના અગ્રણીઓ, પરિવારજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિશેષમાં મળતી વિગત અનુસાર શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ શહેર વિસ્તારને આવરી લઈ જૂનાગઢ મહાનગરના તમામ વિસ્તારમાં વસતા શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના દરેક પરિવારનુ એક સુંદર સ્નેહમિલનનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. તેનો મૂળભૂત હેતુ વિસ્તાર આધારિત જ્ઞાતિના જુદા જુદા દસ વિભાગો પાડવામાં આવેલ છે એ અલગ અલગ સ્નેહ મિલનનું આયોજન ન કરતા માત્ર એક જ જગ્યાએ જ્ઞાતિજનો મળે અને એવા પ્રકલ્પ સાથે અને જુદા જુદા આયોજનો હાથ ધરવા અંગેના વિચાર વિમર્શ રજૂ કરી શકાય એ માટે અને આગામી સમયમાં સમાજમાં નવા કાર્યક્રમોનું પણ આયોજન કરી શકાય એવા શુભ આશય સાથે આ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં આપણી આસ્થાનું કેન્દ્ર એવા સતાધારના મહંત પૂજ્ય શ્રી વિજય બાપુ તેમજ વંથલી સહજાનંદ સ્વામિ ગુરૂકુળના પૂજ્ય કોઠારી પ્રેમસ્વરૂપદાસજી સ્વામી ખાસ ઉપસ્થિત રહી શ્યામવાડીના દાતાઓની તકતી અનાવરણ કરી આશીર્વાદ પાઠવશે. જેમાં સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા શુભેચ્છા સંદેશ, પરમ પૂજ્ય સંત શિરોમણી ભક્ત વિભૂષણ પૂજ્ય શ્રી શામજીબાપુની મહા આરતી તથા ભજન સંધ્યા અને શ્યામવાડી ના દાતાઓની તક્તિ અનાવરણ,ભોજન પ્રસાદનું સુંદર આયોજન સાથે આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા મેડિકલ કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ સાંજે ૫ કલાકથી શરૂ કરવામાં આવવાનો હોય દરેક જ્ઞાતિજનો સમયસર ઉપસ્થિત રહી સહકાર આપવા ખાસ વિનંતી કરવામાં આવી છે. દરેક જ્ઞાતિજનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના પ્રમુખ વિવેકભાઈ ડી. ગોહેલ દ્વારા સ્નેહસભર નિમંત્રણ અને વધુમાં વધુ સંખ્યામાં પધારવા હાદિર્ક આમંત્રણ પાઠવવામાં આવે છે. ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જૂનાગઢ, શ્યામ યુવા સંગઠન, શ્યામ મહિલા મંડળ, શ્યામ ધૂન મંડળ, સેવા સંસ્થા, કડિયા ર્બોડિંગ, શ્યામ લાદી ગ્રુપ, તેમજ જ્ઞાતિના ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો વિભાગીય પ્રમુખો ખૂબ જ ઉત્સાહથી જહેમત ઉઠાવી રહ્યા છે. તેમજ સમાજમાંથી દરેક લોકો આ કાર્યક્રમને માણવા માટે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


