દિવાળીના તહેવારોમાં સંભવિત ઇમરજન્સીને પહોંચી વળવા ૬૬ એમ્બ્યુલન્સ અને ૨૫૦ જવાનો સાથે રાજકોટ જિલ્લાની ૧૦૮ ટીમ ૨૪ કલાક ખડેપગે સજ્જ રહેશે
સામાન્ય દિવસોની સરખામણીએ દિવાળીથી ભાઈબીજ સુધી ઇમરજન્સી કેસોમાં સરેરાશ ૩૦ ટકાનો વધારો થવાની સંભાવના
રાજકોટ તા.૫
પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી દરમિયાન નાગરિકોની આરોગ્ય સુરક્ષા અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં ત્વરિત તબીબી સહાય પૂરી પાડવા માટે ૧૦૮ ઇમરજન્સી મેડિકલ સવિર્સિસ(EMS) દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભૂતકાળના વર્ષોમાં નોંધાયેલા ઇમરજન્સી કેસોના આંકડાઓ અને વર્તમાન વલણોના વિશ્લેષણના આધારે તહેવારો દરમિયાન ઇમરજન્સી કેસોમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લામાં ૬૬ એમ્બ્યુલન્સ અને ૨૫૦ જેટલા કર્મચારીઓની ટીમને સજ્જ રાખવામાં આવી છે. ૧૦૮ના રાજકોટ પ્રોગ્રામ મેનેજરશ્રી જયેશ કરેણા અને શ્રી યોગેશ જાનીએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં સામાન્ય દિવસોમાં સરેરાશ ૨૮૧ ઇમરજન્સી કોલ નોંધાય છે. જેની સરખામણીએ દિવાળીના દિવસે ૧૬.૭૩ ટકાના વધારા સાથે અંદાજે ૩૨૮, નૂતન વર્ષના દિવસે ૮.૧૯ ટકાના વધારા સાથે ૩૦૪ અને ભાઈબીજના દિવસે ૧૨.૮૧ ટકાના વધારા સાથે અંદાજે ૩૧૭ ઇમરજન્સી કેસ નોંધાવાની સંભાવના છે. આ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લામાં એમ્બ્યુલન્સ અને મેડિકલ સ્ટાફને પૂરતી તૈયારી સાથે તૈનાત રાખવામાં આવશે. ગુજરાત રાજ્યના સ્તરે પણ ઇમરજન્સી કેસોમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
છેલ્લા એક વર્ષના આંકડાઓના વિશ્લેષણ મુજબ સામાન્ય દિવસોમાં સરેરાશ ૫,૨૪૮ ઇમરજન્સી કેસની સરખામણીએ દિવાળીના દિવસે ૧૬.૪૪ ટકાના વધારા સાથે અંદાજે ૬,૧૧૧, નૂતન વર્ષના દિવસે ૨૯.૧૨ ટકાના વધારા સાથે ૬,૭૭૬ અને ભાઈબીજના દિવસે ૨૨.૯૬ ટકાના વધારા સાથે અંદાજે ૬,૪૫૩ ઇમરજન્સી કેસ નોંધાવાની શક્યતા છે. તહેવારો દરમિયાન ઇમરજન્સી સેવાઓની જરૂરિયાત વધવાના મુખ્ય કારણોમાં રોડ અકસ્માત સહિતના ટ્રોમા કેસનો સમાવેશ થાય છે. આંકડાકીય વિશ્લેષણ મુજબ સામાન્ય દિવસોની સરખામણીએ ટ્રોમા સંબંધિત કેસોમાં દિવાળીના દિવસે ૮૮.૨૪ ટકા, નૂતન વર્ષના દિવસે ૧૪૦.૮૭ ટકા અને ભાઈબીજના દિવસે ૫૭.૨૮ ટકાનો વધારો જોવા મળે છે. આ ઉપરાંત તાવ, શ્વાસોશ્વાસની તકલીફ, હૃદયરોગનો હુમલો, પેટમાં દુખાવો સહિતની વિવિધ તબીબી ઇમરજન્સીમાં પણ ૧૦૮ની સેવાઓ મહત્ત્વપૂર્ણ બની રહે છે. સંભવિત ઇમરજન્સી કેસોમાં વધારાને પહોંચી વળવા ૧૦૮ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે ઝીરો લીવ અને સાપ્તાહિક રજાઓનું નિયંત્રણ રાખીને વિશેષ ડ્યૂટી રોસ્ટર તૈયાર કરવામાં આવ્યું છે. એમ્બ્યુલન્સની ઝડપી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા મુખ્ય હોસ્પિટલો ખાતે ફિલ્ડ સ્ટાફ અને સુપરવાઇઝરી સ્ટાફની તૈનાતી, સ્ટેન્ડબાય સપોર્ટ ટીમોની વ્યવસ્થા તેમજ તમામ એમ્બ્યુલન્સનું અગાઉથી સવિર્સિંગ અને મેન્ટેનન્સ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વાહનોમાં કોઈ ટેકનિકલ ખામી કે બ્રેકડાઉન ન સર્જાય તે માટે વિશેષ તકેદારી સાથે દવાઓ અને મેડિકલ કન્ઝ્યુમેબલ્સનો પૂરતો તેમજ વધારાનો જથ્થો પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. ૧૦૮ના ચીફ ઓપરેટિંગ ઓફિસરશ્રી જશવંત પ્રજાપતિએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન નાગરિકોને સમયસર અને અસરકારક તબીબી સહાય મળી રહે તે માટે સમગ્ર ટીમ સંપૂર્ણ સજ્જ છે. ચીફ ઓપરેટિંગ ઓફિસરશ્રી જશવંત પ્રજાપતિએ ૧૦૮ પરિવાર વતી ગુજરાતના તમામ નાગરિકોને દિવાળીની હાદિર્ક શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ તહેવારોની ખુશીઓ વચ્ચે સલામતી અને સાવચેતી જાળવવા ખાસ અપીલ કરી હતી. વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન કરવા, ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખવા તેમજ ખાદ્યપદાર્થોનું સેવન કરતી વખતે પૂરતી તકેદારી રાખવા તેમણે અનુરોધ કર્યો હતો. કોઈપણ પ્રકારની ઇમરજન્સી સર્જાય ત્યારે સમય બગાડ્યા વિના તાત્કાલિક તબીબી સહાય મેળવવા ૧૦૮ પર કોલ કરવા પણ નાગરિકોને અપીલ કરવામાં આવી છે.


