દિલજીત દોસાંજે કોન્સર્ટ વચ્ચે રોક્યો કાર્યક્રમ, CRPFની મહિલા અધિકારીને ભેટીને કર્યું ખાસ સન્માન
મહિલા અધિકારીને જોઈ દિલજીતને માતાની યાદ આવી; સ્ટેજ પર ભેટ આપીને સલામી કરી, દિલ્હી પોલીસ અને સુરક્ષા કર્મચારીઓનો પણ માન્યો આભાર
મુંબઈ તા.5
પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજે દિલ્હીના કોન્સર્ટ દરમિયાન એક એવી ભાવુક પળ સર્જી હતી, જેણે ચાહકોનાં દિલ જીતી લીધાં છે. દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં આયોજિત તેના 'ઔરા ટૂર'ના ભારત પ્રવાસના પ્રથમ કોન્સર્ટ દરમિયાન દિલજીતે CRPFની એક મહિલા અધિકારીનું વિશેષ સન્માન કર્યું હતું. મહિલા અધિકારી સ્ટેજ પર પહોંચતાં જ દિલજીતે પોતાનું પર્ફોર્મન્સ અટકાવી તેમની સાથે વાતચીત કરી હતી અને તેમને ભેટીને નાનકડી ભેટ પણ અર્પણ કરી હતી.
આ પ્રસંગે દિલજીતે ભાવુક થતાં જણાવ્યું હતું કે મહિલા અધિકારીને જોઈને તેને પોતાની માતાની યાદ આવી ગઈ છે. તેણે કહ્યું કે કોન્સર્ટ શરૂ થાય તે પહેલાં જ તેની માતાનો ફોન આવ્યો હતો. માતાએ તેને પોતાની સંભાળ રાખવાનું કહ્યું હતું, ત્યારે તેણે ચિંતા ન કરવાની ખાતરી આપી હતી. પરંતુ હવે મહિલા અધિકારીને જોઈને તેને એવું લાગી રહ્યું છે કે જાણે તેની પોતાની માતા તેની બાજુમાં ઊભી હોય.
દિલજીતે મહિલા અધિકારી પ્રત્યે આદર વ્યક્ત કરતાં સુરક્ષા કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી. તેણે જણાવ્યું હતું કે સુરક્ષા જવાનો લોકો માટે ઘણું કરે છે અને તેમના કારણે જ સૌ પોતાને સુરક્ષિત અનુભવે છે. ત્યારબાદ તેણે મહિલા અધિકારીને સલામી આપી અને ઉપસ્થિત ચાહકોને તેમના સન્માનમાં તાળીઓ પાડવા અપીલ કરી હતી. આ ભાવુક ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર થતાં જ વાયરલ થયો છે.
કોન્સર્ટ બાદ દિલજીતે દિલ્હી પોલીસ, CRPF અને કાર્યક્રમના આયોજન સાથે જોડાયેલી તમામ ટીમોનો પણ આભાર માન્યો હતો. તેણે દિલ્હીવાસી ચાહકોના પ્રેમ અને સહકાર બદલ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે કાર્યક્રમના આયોજન દરમિયાન અનેક મુશ્કેલીઓ આવી હતી, જોકે તે અંગે વધુ વાત કરવા માગતો નથી.
કોન્સર્ટ દરમિયાન વરસાદ પડ્યો હોવા છતાં દિલજીતે પોતાનું પર્ફોર્મન્સ ચાલુ રાખ્યું હતું. તેણે જણાવ્યું હતું કે કાર્યક્રમના ત્રણથી ચાર કલાક દરમિયાન વરસાદ ન પડે તે માટે તેણે ભગવાનને પ્રાર્થના કરી હતી, જેથી ચાહકોનો ઉત્સાહ જળવાઈ રહે અને તેઓ સંગીતની મજા માણી શકે. આમ, દિલજીતના આ કોન્સર્ટમાં સંગીતની સાથે CRPF મહિલા અધિકારી પ્રત્યે વ્યક્ત કરાયેલું સન્માન અને ભાવુક ક્ષણ ખાસ ચર્ચામાં રહી હતી.


