સુરતના ડો.હર્ષ પંડયાની આત્મહત્યા માટે રેગિંગ જવાબદાર : ૪ સિનિયર ડોકટર ૬ મહિના માટે સસ્પેન્ડ

રેગિંગ માટે જવાબદાર ૪ સિનિયર રેસિડેન્ટ ડોકટર (૧) ડો.નિરાલી વસાવે, (ર) ડો.દિક્ષીતા ઘેવરીયા, (૩) ડો.હિના ભુત અને (૪) ડો.અનુજ મહેશ્વરીને તત્કાલ હોસ્ટેલ ખાલી કરવા આદેશ, હોસ્પિટલ અને ટિચિંગ એક્ટિવીટીમાંથી ૬ મહિના માટે સસ્પેન્ડ કરાયા

સુરતના ડો.હર્ષ પંડયાની આત્મહત્યા માટે રેગિંગ જવાબદાર : ૪ સિનિયર ડોકટર ૬ મહિના માટે સસ્પેન્ડ

સુરત તા.૧૦
સુરતની નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં ૩૦ વર્ષીય રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડયાના રહસ્યમય આપઘાતમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ અને કોલેજ તંત્રની તપાસમાં મૃતક હર્ષ પંડ્યાનું ૪ સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવતું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. રેગિંગનો ખુલાસો થતાં જ ચારેય આરોપી સિનિયર વિદ્યાર્થીઓને ૬ મહિના માટે હોસ્પિટલ, હોસ્ટેલ તેમજ તમામ ટીચિંગ એક્ટિવિટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે.
ડો. હર્ષ પંડ્યાના આપઘાતની ઘટનામાં રાજ્ય સરકારના કડક નિર્દેશો હેઠળ ત્વરિત અને પારદર્શક તપાસ હાથ ધરાઈ છે. આ ગંભીર મામલે સિવિલ હોસ્પિટલના ડીન ડૉ. જયેશ બ્રહ્મભટ્ટ અને મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટની સંયુક્ત અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચસ્તરીય કમિટી સમક્ષ પ્રથમ વર્ષના ૯ રેસિડેન્ટ ડોક્ટર્સ અને મૃતકના પિતાની ફરિયાદના આધારે નિવેદનો નોંધવામાં આવ્યા હતા.
રાત્રે ૮.૩૦થી સવારના ૦૪.૦૦ વાગ્યા સુધી ચાલેલી આ મેરેથોન બેઠકમાં માઈક્રોબાયોલોજી વિભાગના સિનિયર રેસિડેન્ટ, ફેકલ્ટી, ટેકનિશિયન તથા સફાઈકર્મીઓના નિવેદનો નોંધી એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા રિપોર્ટ એન્ટી રેગિંગ કમિટીને સુપરત કરવામાં આવ્યો હતો.
કમિટીના અહેવાલના આધારે શિસ્તભંગ અને ગંભીર બેદરકારી બદલ ચાર રેસિડેન્ટ ડોક્ટરો (૧) ડૉ.નિરાલી વસાવે, (૨) ડૉ.અનુજ મહેશ્વરી, (૩) ડૉ.દીક્ષિતા ઘેવરિયા અને (૪) ડૉ. હિના ભુતને ૬ માસ માટે સસ્પેન્ડ કરી તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા તેમજ કોઈપણ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ ન લેવા સખત આદેશ કરાયો છે.