સિંહ સદનના નામે નકલી વેબસાઇટથી ઓનલાઇન બુકિંગના બહાને છેતરપિંડી, વન વિભાગે કાર્યવાહી કરી
લોકોએ સિંહ સદનના નામે એક આબેહૂબ નકલી વેબસાઇટ બનાવી પ્રવાસીઓને ઠગવાનો પ્રયાસ શરૂ કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૧૨
રાજ્યના પ્રસિદ્ધ ‘સિંહ સદન’ માટે નકલી વેબસાઇટ બનાવી, પ્રવાસીઓ પાસેથી ઓનલાઇન બુકિંગના બહાને રૂપિયા પડાવી લેતા ચીટર તત્વો સામે વન વિભાગ સક્રિય બન્યો છે. ચીટિંગનો ભોગ બનનારાની સંખ્યા વધે એ પહેલા જ વન વિભાગે સમયસર પગલાં લઇ સાયબર સેલ સહાયથી આ ફેક વેબસાઇટ ડિલીટ કરાવીને એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યા હતા. વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષક જયપાલ સિંહે માહિતી આપતાં જણાવ્યું કે, સિહ સદન માટે ઓનલાઇન બુકિંગની સુવિધા ઉપલબ્ધ નથી અને વન વિભાગની કોઈ સત્તાવાર વેબસાઇટ દ્વારા બુકિંગ થતું નથી. છતાં કેટલાક લોકોએ સિહ સદનના નામે એક આબેહૂબ નકલી વેબસાઇટ બનાવી પ્રવાસીઓને ઠગવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
આ ચિટિંગની માહિતી વન વિભાગને ૩૧ ઓક્ટોબરના રોજ મળી હતી. વિભાગ દ્વારા તપાસ શરૂ કરી. આ ફેક વેબસાઇટની લિંક દ્વારા મળેલા ડેટા અને ટેકનિકલ વિગતો આધારે ચીટર તત્વો હરિયાણાના મેવાસ અને ધોલપુર વિસ્તાર ના હોવાના પ્રમાણ મળ્યા હતા. વન વિભાગે પહેલાં ભોગ બનનારાઓ સાથે સંપર્ક સાધી અને તેમને ફરિયાદ નોંધાવવા માટે રજુઆત કરી હતી, પરંતુ ઘણાં લોકોએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. તપાસ દરમિયાન ચીટિંગમાં વપરાયેલ મોબાઈલ નંબર બંધ હોવાથી વન વિભાગે તે નંબર પર રેગ્યુલર ટ્રેકિંગ રાખી હતી. કેટલાક દિવસ પછી નંબર ચાલુ થતા વન વિભાગના અધિકારીએ ‘ગ્રાહક’ બની બુકિંગ કરવા નામે કોલ કર્યો હતો. ચીટરે બુકિંગ માટે ચુકવણી માંગી હતી અને જ્યારે અધિકારીએ નિર્ધારિત રકમ ટ્રાન્સફર કરી ત્યારે ચીટરે રિસીપ્ટ મોકલી હતી. આ બાદ વન વિભાગે તાત્કાલિક સાયબર સેલમાં ફરિયાદ દાખલ કરી હતી. સાયબર સેલ દ્વારા ફરિયાદ નોંધાતા સાથે જ સંબંધિત ડોમેન ડિલીટ કરાવી અને બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આ ફેક વેબસાઇટ વિદેશી સર્વર પર હોસ્ટ હોવાના સંકેત મળ્યા છે. તેમજ આ નેટવર્ક અન્ય ટુરિસ્ટ સ્પોટ અને વન્ય જીવન સંબંધિત સ્થળોના નામે પણ સમાન રીતે લોકોને ઠગવાનો પ્રયાસ કરતું હોય એવા આધાર પણ મળ્યા છે. અગ્ર મુખ્ય વન સંરક્ષક જયપાલ સિંહે જનતાને ચેતવણી આપી કે, “સિહ સદન અથવા કોઈ વન્ય વિસ્તાર માટે બુકિંગ માત્ર સત્તાવાર વન વિભાગની કાર્યાલય દ્વારા જ થાય છે. કોઈપણ અજાણી વેબસાઇટ દ્વારા ચુકવણી ન કરવી. અમે ફેક લિંક્સ દૂર કરવા માટે ગૂગલ અને સાયબર સેલ સાથે સંપર્કમાં છીએ.


