જૂનાગઢ શહેરમાં પૈયગંબર સાહેબનાં જન્મદિવસ ઇદે મિલાદુન્નબીની શાનદાર ઉજવણી કરાઈ
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૭
ઇસ્લામ ધર્મના મહાન પૈયગંબર હઝરત મુહમ્મદ સાહેબની ૧૫૦૧મી જન્મ જયંતી નિમિત્તે જૂનાગઢ શહેરમાં ઇદે મિલાદુન્નબીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે મોટી સંખ્યામાં અકિદતમંદો ઇદે મિલાદના જુલૂસમાં જોડાયા હતા. શહેરના રાજમાર્ગો પર જુલુસ યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લીમ બિરાદરો સમાજના આગેવાનો જોડાયા હતા અને પૈયગંબર સાહેબના જીવન સંદેશને યાદ કરી સમગ્ર માનવ જાતના કલ્યાણ માટે તેમજ સમગ્ર વિશ્વમાં તમામ લોકો અને જીવોનું કલ્યાણ થાય તેમજ સમગ્ર વિશ્વમાં એક આદર્શ જીવન વ્યવસ્થા બની રહે તેવી દુઆ - પ્રાર્થના કરવામાં આવી હતી. ઇસ્લામ ધર્મના મહાન પૈયગંબર મહંમદ સાહેબ સમગ્ર માનવ જાત માટે સમગ્ર ઇન્સાનિયત માટે એક કલ્યાણકારી રહેબર અને ઈશ્વરના દૂત(મેસેન્જર) તરીકે પૃથ્વી પર આવ્યા હતા જેમણે આજથી ૧૫૦૦ વર્ષ પહેલા તત્કાલીન અરબી સમાજમાં અંધશ્રદ્ધા, વહેમ, કુરિવાજો, પેઢીઓ સુધી ચાલતી કબીલાઇ લડાઈઓ અને યુદ્ધોનો સમગ્ર વિસ્તારમાં અંત લાવી સમગ્ર વિશ્વમાં શાંતિનો સંદેશો ફેલાવ્યો હતો. આવા મહાન પૈયગંબર સાહેબની યાદમાં મુસ્લિમો પ્રતિવર્ષ ઇસ્લામિક મહિના રબિયુલ અવ્વલની ૧૨ તારીખે પૈયગંબર સાહેબનો જન્મદિવસ મનાવે છે. જેને ઇદે મિલાદુન્નબી કહેવામાં આવે છે. જૂનાગઢ શહેરમાં વાલીએ સોરઠ દરગાહથી જુલુસ શરૂ થયું હતું અને સુખનાથ ચોક, જેલ રોડ, એમજી રોડ, માંડવી ચોક થઈ ઝાલોરાપા વિસ્તારમાં શાંતિના સંદેશ સાથે જુલુસ સંપન્ન થયું હતું.
જુલુસનાં માર્ગ પર ન્યાજનું ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ મુસ્લિમ આગેવાનો દ્વારા અને સમાજના વ્યક્તિઓ દ્વારા જુલુસનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જુલુસમાં નાત શરીફ અને અને દુરૂદો સલામથી રૂહાની - આધ્યત્મિક વાતવરણ સર્જાયુ હતું. આ તકે સમસ્ત સાદાત જમાતના પ્રમુખ એજાજ બાપુ ચિસ્તિનું જૂલુસનાં રૂટ પર ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
જેમાં બ્લોચવાડા ખાતે આ વિસ્તારના સામાજિક અગ્રણી દાદુભાઈ દરબાર દ્વારા એજાજ બાપુ અને ઉપસ્થિત આગેવાનોનું પુષ્પ વર્ષા સાથે ભારે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જૂલુસ દરમ્યાન આ વિસ્તારનાં કોર્પોરેટર અદ્રેમાંનભાઇ પંજા, આદિલભાઇ કોતલ, અશરફભાઇ થઇમ, યુસુફભાઇ મલેક વિગેરેએ સતત ખડેપગે રહી તંત્ર સાથે સંકલન કરી જૂલુસનું સુચારૂ આયોજન, વ્યવસ્થા જાળવી રાખી હતી. મોડી સાંજે કોમી એકતા, વિશ્વ શાંતિનાં સંદેશ સાથે જુલુસ સંપન્ન થયું હતું.


