ફરવા માટે જૂનાગઢ શહેર પ્રવાસીઓ માટે પહેલી પસંદ જૂનાગઢની મુલાકાતે આવનારા પ્રવાસીઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં ભારે વધારો

ફરવા માટે જૂનાગઢ શહેર પ્રવાસીઓ માટે પહેલી પસંદ જૂનાગઢની મુલાકાતે આવનારા પ્રવાસીઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં ભારે વધારો

જૂનાગઢ તા.12
સૌરાષ્ટ્ર-ગુજરાતનાં મહત્વના શહેર તરીકે જેની ગણના થાય છે તેવું જૂનાગઢ શહેર પ્રવાસી જનતા માટે પસંદગીનું શહેર બની ગયું છે. જૂનાગઢ, ગિરનાર અને ભવનાથ આજે પ્રવાસીઓ માટે ફરવા માટેનાં બેસ્ટ સ્થળો તરીકે ઉભરી આવ્યા છે.
છેલ્લા પાંચ વર્ષમાં જૂનાગઢ શહેરની મુલાકાતે આવનારા પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે. રાજા, રજવાડા અને નવાબી શાસન સમયની યાદ તાજી કરાવનારા સંખ્યાબંધ  સ્થળો આવેલા છે અને જયાં સ્થાપત્ય કલાની ઉત્તમ કલાકારીગીરીનાં દર્શન થાય છે તેવા જૂનાગઢ શહેર અને તેની તદ્ન નજીક આવેલ ભવનાથ અને ગિરનારમાં ધાર્મિક સ્થળોનાં દર્શન તેમજ ફરવા લાયક સ્થળોની મુલાકાતે લાખો પ્રવાસીઓ આવે છે.
જૂનાગઢ શહેરની વાત કરીએ તો નવાબી શાસન સમયની યાદ અપાવતી ભવ્ય ઈમારતો જાેવા મળે છે. ઉપરાંત  જેને જૂનાગઢનો તાજમહાલ કહી શકાય તેવી બેનમુન કલાકારી દર્શાવતા ‘મહાબત મકબરા’ની મુલાકાતે પ્રવાસી જનતા આવતી હોય છે. ઉત્તમ કલાકારીગીરીનો નજારો નિહાળી પ્રભાવીત થાય છે. આ ઉપરાંત જયાં રાજા રજવાડાનાં ઈતિહાસનાં સંસ્મરણો તાજા થાય છે તેવા ઐતિહાસિક ઉપરકોટનો કીલો અને તેમાં આવેલા નીલમ તોપ, રાણકદેવી મહેલ, અડીકડી વાવ, નવઘણ કુવો, ધકાબારી સહીતનાં સ્થળોની મુલાકાત લઈ લોકો પ્રભાવીત બને છે. આદ્ય કવિ નરસિંહ મહેતાનો ચોરો સહીતના સ્થળો જૂનાગઢમાં છે.  આ ઉપરાંત સકકરબાગ પ્રાણી સંગ્રહાલયની પણ પ્રવાસી જનતા ખાસ મુલાકાત લે છે. જયારે ભવનાથ વિસ્તારની વાત કરીએ તો તળેટીમાંજ પ્રવેશતા વાઘેશ્વરી માતાજી મંદિર, ગાયત્રી મંદિર આવેલા છે.
આદ્ય કવિ નરસિંહ મહેતા જયાં સ્નાન કરવા જતા તે દામોકુંડ આવેલ છે. જયાં ભાવિકો સ્નાન કરવા આવે છે તેમજ ધાર્મિક વિધી માટે પણ આવતા રહે છે.  ત્યાંજ ભગવાન રાધા દામોદરજીનું મંદિર અને મહાપ્રભુજીની બેઠકનાં દર્શને  ભાવિકો આવતા રહે છે. આ ઉપરાંત ભવનાથ તળેટી ખાતે આવેલ સુપ્રસિધ્ધ ભવનાથ મહાદેવ મંદિરનાં દર્શન કરી ભાવિકો ધન્યતા અનુભવે છે. આ ઉપરાંત ગિરનાર ખાતે બિરાજતાં અંબાજી માતાજી મંદિર (શક્તિપીઠ) આવેલ છે. જયાં પણ ભાવિકો દર્શન માટે આવે છે.
રોપ-વે થયા બાદ ભાવિકોની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે. આ ઉપરાંત  ગિરનાર ઉપર આવતા ગોરખનાથની ટુંક, ભગવાન ગુરૂ દત્તાત્રેયની ટુંક, ગૌમુખી ગંગા સહીતનાં ધાર્મિક સ્થળોએ મોટી સંખ્યામાં ભાવિકો દર્શને આવે છે.
એકતરફ ગિરનાર અને તેની  બીજી તરફ ઉપલા દાતાર આવેલ છે. ઉપલા દાતારબાપુની જગ્યાનો પણ ખુબજ મહિમા હોય, દાતાર સેવકો પૂ.દાતાર બાપુનાં દર્શને આવે છે.  ગિરનાર ક્ષેત્રમાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળો તેમજ ઉપલા દાતાર બાપુની જગ્યા તેમજ  અન્ય ધાર્મિક સ્થાનો ખાતે દર્શને આવનારા શ્રધ્ધાળુઓ, ભાવિકોને પ્રસાદ, ભોજન કરાવવામાં આવે છે. ભવનાથ તળેટીથી ગિરનારની ગીરીકંદરાઓ અને રમણીયતા ભાવિકો પ્રવાસીઓને સતત આકર્ષતી રહી છે.
જૂનાગઢ શહેરમાં આવેલા ભુતનાથ મહાદેવ મંદિર, બીલનાથ મહાદેવ મંદિર, સ્વામિનારાયણ મુખ્ય મંદિર તેમજ બીએપીએસ અક્ષરવાડી સ્વામિનારાયણ મંદિર આવેલા છે. ત્યાં પણ ભાવિકો દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આ ઉપરાંત જૂનાગઢ શહેરની મધ્યમાં નવીનીકરણ પામેલા નરસિંહ મહેતા સરોવરની મુલાકાતે લોકો ઉમટી પડે છે. જૂનાગઢ શહેર, ભવનાથ, ગિરનાર ક્ષેત્ર પ્રવાસી જનતા માટે ફરવા માટેના પસંદગીનાં સ્થળો રહેલા છે અને વર્ષ દરમ્યાન લાખોની સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢની મુલાકાત લે છે અને ફરી ફરી આવવાની મહેચ્છા વ્યકત કરે છે.