આકાશથી આફત: સૌરાષ્ટ્રમાં માવઠાનો મારો

જૂનાગઢ જિલ્લામાં કરા અને પવનથી પાક પાયમાલ થવાની ભીતિ

આકાશથી આફત: સૌરાષ્ટ્રમાં માવઠાનો મારો

સૌરાષ્ટ્રમાં હવામાનએ અચાનક જ પોતાનું રંગ બદલ્યું છે. જૂનાગઢ સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદે લોકો અને ખેડૂતોને અચંબામાં મૂકી દીધા છે.
આજે વહેલી સવારથી જ આકાશ ઘેરા વાદળોથી છવાઈ ગયું હતું. થોડી જ વારમાં તેજ પવન, ગાજવીજ અને કરા સાથે વરસાદ શરૂ થયો હતો. ખાસ કરીને ભેસાણ વિસ્તારમાં પરિસ્થિતિ વધુ વિકટ બની હતી, જ્યાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી જનજીવન અસરગ્રસ્ત બન્યું હતું.
એક તરફ આ વરસાદે ગરમીમાંથી થોડી રાહત આપી છે, પરંતુ બીજી તરફ ખેડૂતો માટે આ માવઠું આફત સમાન સાબિત થઈ રહ્યું છે.
જૂનાગઢ જિલ્લો કેસર કેરી માટે જાણીતા વિસ્તારોમાં આવે છે. હાલ આંબાના ઝાડ પર નાની કેરીઓ આવી ચૂકી છે, પરંતુ ભારે પવન અને કરાના કારણે મોટી સંખ્યામાં કેરીઓ જમીન પર ખસી પડી છે. મોર તૂટી જવાથી આવનાર પાક પર પણ ગંભીર અસર થવાની શક્યતા છે.
ખેડૂતોના કહેવા મુજબ જો આ સ્થિતિ યથાવત રહેશે તો કેરીના પાકને 50 ટકા કરતા વધુ નુકસાન થઈ શકે છે. માત્ર કેરી જ નહીં, પરંતુ ઘઉં, જીરું, ધાણા અને ચણા જેવા રવિ પાકો પણ જોખમમાં છે. ખેતરોમાં પડેલો તૈયાર માલ ભેજના કારણે બગડવાની ભીતિ છે, જેના કારણે બજારમાં યોગ્ય ભાવ મળવો મુશ્કેલ બની શકે છે.
હવામાન વિભાગે પહેલેથી જ આગામી કેટલાક દિવસો માટે વરસાદની આગાહી કરી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સર્જાયેલી આ સ્થિતિ હજુ થોડા દિવસો સુધી ચાલુ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હાલમાં આકાશમાં વાદળછાયું વાતાવરણ યથાવત છે અને પવન સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો હવે સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે અને નુકસાનના સર્વે તેમજ સહાયની માંગ ઉઠી રહી છે.