ખંભાળિયા : મુસાફરને ઓટો રીક્ષામાં બેસાડીને સોનાના ખોટા ચેનના બદલામાં કિંમતી ચીજ વસ્તુઓ પડાવનારા બે શખ્સો ઝબ્બે
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૧૯
દ્રારકાનાં જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા ખંભાળિયા શહેરમાં ત્રણ દિવસ પૂર્વે એક પરપ્રાંતીય શ્રમિકને સોનાના ખોટા ચેન બાબતે વિશ્વાસમાં લઈ, અને અડધો ભાગ આપવાના બહાને કિંમતી ચીજ વસ્તુઓ લઈને નાશી જનારા રાજકોટના ગોંડલ રોડ પર રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગનું કામ કરતા સંજય શંકરભાઈ રાજાણી (ઉ.વ. ૪૯) અને રાજકોટના રામનાથ પરા શેરી નં. ૪ ખાતે રહેતા દેવજી ઠાકરશી નસીત (ઉ.વ. ૭૨) નામના બે શખ્સોને દબોચી લીધા હતા. આ શખ્સો પાસેથી પોલીસે રૂા.૩૫,૦૦૦ ની કિંમતનું ચાંદીનું કડું, રૂા.૧૧,૦૦૦ ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન, રૂા.૯૦૦ રોકડા અને રૂપિયા એક લાખની કિંમતની ઓટો રીક્ષા મળી, કુલ રૂપિયા ૧,૪૬,૯૬૦ નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ અર્થે આરોપીઓનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો છે. આરોપીઓ ઓટો રિક્ષામાં નીકળી અને વૃદ્ધ દ્વારા પાછલી સીટમાં બેસી, સોના જેવો લાગતો બગસરાનો ચેન એક ડબ્બીમાં મૂકી રાખે છે. ત્યાર બાદ કોઈ એકલા મુસાફરને પોતાની રિક્ષામાં બેસાડીને સાથી વૃદ્ધ "મારો ચેન ક્યાંક પડી ગયો છે"- તેમ કહીને ઉતરી જાય છે. ત્યાર બાદ રિક્ષામાં સીટ પાછળ સંતાડેલી ખોટા (બગસરાના) ચેનની ડબ્બીને મેળવી સરખે ભાગે વહેંચી લેવાનું કહી, રિક્ષા ચાલક મુસાફરને વિશ્વાસમાં લઈ આ પ્રકારે તેમની પાસે રહેલી કિંમતી ચીજ વસ્તુઓ મેળવી લઈને છેતરપિંડી આચરવામાં આવતી હોવાની મોડેસ ઓપરેન્ડીથી કામ કરતા હતા. ઝડપાયેલા સંજય શંકરભાઈ રાજાણી વિરુદ્ધ રાજકોટના જુદા જુદા પોલીસ મથકમાં નવ ગુના તેમજ દેવશી ઠાકરસી સામે પણ રાજકોટમાં એક ગુનો નોંધાયો છે.


