પોરબંદરને રાજ્યનો સૌથી હરિયાળો જિલ્લો બનાવવાનો સંકલ્પ : મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા

વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમ જનભાગીદારીથી વન વિસ્તાર ૧૧ % થી ૩૩% સુધી લઈ જવાની દિશામાં નક્કર પગલાં

પોરબંદરને રાજ્યનો સૌથી હરિયાળો જિલ્લો બનાવવાનો સંકલ્પ : મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૭
પોરબંદર જિલ્લાને હરિયાળો બનાવવાના ઉમદા હેતુ સાથે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાં એક લાખથી વધુ વૃક્ષો વાવવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી શ્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, કુદરતે રચેલું અદભૂત ચક્ર એ છે કે આપણો કચરો વૃક્ષો માટે ખોરાક બને છે અને બદલામાં વૃક્ષો આપણને અમૂલ્ય ઓક્સિજન આપે છે. હાલના સમયમાં ગ્લોબલ ર્વોમિંગ અને ક્લાઈમેટ ચેન્જ જેવા પડકારો સામે લડવા માટે વડાપ્રધાનના ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં જોડાવા તેમણે જનતા ને આહવાન કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં હાલ વન વિસ્તાર માત્ર ૧૧ ટકા જેટલો છે, જેને વૈજ્ઞાનિક માપદંડ મુજબ ૩૩ ટકા સુધી લઈ જવા જનભાગીદારી અનિવાર્ય છે. આ દિશામાં સરકારે આંધ્રપ્રદેશની મોડલ નર્સરીની તર્જ પર ૨૫ એકરમાં આધુનિક નર્સરી વિકસાવવાનું આયોજન કર્યું છે, જ્યાંથી નાગરિકોને રાહત દરે રોપાઓ ઉપલબ્ધ કરાશે.

વૃક્ષારોપણ સાથે સંરક્ષણ અને જળસંચય પર ભાર
મંત્રીએ સ્પષ્ટ કહ્યું હતું કે માત્ર વૃક્ષો વાવવાથી જ કામ પૂર્ણ થતું નથી, પરંતુ તેના ઉછેર અને જાળવણી પણ એટલી જ જરૂરી છે. આ માટે આગામી ત્રણ વર્ષ સુધી રોપાઓની ખાસ માવજત કરવામાં આવશે. જળસંચયના મહત્વને ઉજાગર કરતા તેમણે જણાવ્યું કે તા.૨૧ ફેબ્રુઆરીથી સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવો ઊંડા કરવાની કામગીરી શરૂ થશે. ગામના પાદર અને રસ્તાઓની આસપાસ મહત્તમ વૃક્ષારોપણ કરવા સરપંચોને અપીલ કરતા તેમણે જણાવ્યું કે ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી અંદાજે ૫૦ લાખ રૂપિયાની રકમ પર્યાવરણ અને જળસંચયના કામોમાં ખર્ચવામાં આવશે.

નાળિયેરી વાવેતરથી ખેડૂતોને વર્ષે ૧૫ લાખ સુધીની વધારાની આવક
પૂર્વ કેબિનેટ મંત્રી  બાબુભાઈ બોખીરીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વૃક્ષો માત્ર કુદરતી સંતુલન જાળવતા નથી, પરંતુ ખેડૂતો માટે પૂરક આવકનું મજબૂત સાધન પણ બની શકે છે. ખાસ કરીને નાળિયેરીના વાવેતરને ‘સોનુ’ ગણાવતા તેમણે જણાવ્યું કે વાડીના શેઢે ૨૦-૨૦ ફૂટના અંતરે નાળિયેરી વાવવામાં આવે તો મુખ્ય પાકને નુકસાન કર્યા વગર વર્ષે અંદાજે ૧૫ લાખ રૂપિયા સુધીની વધારાની આવક મેળવી શકાય છે. આ ઉપરાંત વૃક્ષોના પાંદડાના કુચામાંથી દર મહિને ૩ થી ૩.૫ ટન કુદરતી ખાતર મળતું હોવાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને યુરિયાનો ઉપયોગ ઘટે છે.

‘ગ્રીન પોરબંદર’ અભિયાન વટવૃક્ષ બની રહ્યું છે
ગ્રીન પોરબંદરના મુખ્ય આયોજક  રામદેભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ‘ગ્રીન પોરબંદર’ અભિયાન હવે વટવૃક્ષ બની રહ્યું છે. શરૂઆતમાં માત્ર ૨થી ૪ હજાર વૃક્ષોનો લક્ષ્યાંક હતો, પરંતુ દાતાઓના સહયોગથી અત્યાર સુધીમાં ૯ હજાર વૃક્ષો વવાઈ ચૂક્યા છે અને ટૂંક સમયમાં આ આંકડો ૧૨ હજાર સુધી પહોંચશે. આ પ્રોજેક્ટ રાજકોટના સદ્ભાવના ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે, જેમાં એક વૃક્ષ માટે કુલ ૩,૦૦૦ રૂપિયામાં પાંજરું, પાણી અને જાળવણીની સંપૂર્ણ જવાબદારી ટ્રસ્ટ લે છે. આ અભિયાનને હવે પોરબંદર શહેરથી વિસ્તારીને સમગ્ર જિલ્લાના ગામડાઓ સુધી લઈ જવાનું આયોજન છે, જેમાં અંદાજે દોઢ લાખ વૃક્ષો વાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. રોડ મેપિંગ અનુસાર વૃક્ષારોપણ અને તાલુકાવાઈઝ વોટ્સએપ ગ્રુપ દ્વારા ડિજિટલ મોનિટરિંગ કરવામાં આવશે.

સિસ્ટમેટિક પ્લાનિંગ વિના વૃક્ષારોપણ વ્યર્થ : કલેક્ટર
જિલ્લા કલેક્ટર  એસ.ડી. ધાનાણીએ જણાવ્યું હતું કે માત્ર વૃક્ષો વાવવું પૂરતું નથી, પરંતુ યોગ્ય આયોજન અને સિસ્ટમ સાથે વૃક્ષારોપણ કરવું જરૂરી છે. તેમણે ગ્રામ પંચાયતના સરપંચો અને તલાટીઓને વૃક્ષોની જાળવણી અને સુરક્ષા માટે સક્રિય ભૂમિકા ભજવવા અપીલ કરી હતી. તેમણે સુજલામ સુફલામ યોજના હેઠળના જળસંચયના કામોની યાદી વહેલી તકે રજૂ કરવા સૂચના આપી અને ઉર્જા બચતનો સંદેશ આપતા જણાવ્યું કે લાઈટ અને પંખા બંધ કરવાની નાની આદત પણ પર્યાવરણ સંરક્ષણમાં મોટું યોગદાન આપે છે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન  નીરવભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું હતું. 
કાર્યક્રમમાં મનપા કમિશનર  હસમુખ પ્રજાપતિ, ડીસીએફ  ચિરાગ ચાંદવડે, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, તાલુકા પંચાયત પ્રમુખ લીરીબેન ખૂંટી સહિત અનેક મહાનુભાવો, તલાટીઓ, ગ્રામ સેવકો અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.