દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને વિશિષ્ટ પુષ્પશૃંગાર સાથે કુંડલા ભોગ મનોરથ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.૩૦
દ્વારકાધીશ જગતમંદિરમાં દ્વારકાધીશ ભગવાનને ઋતુ અનુસાર શૃંગાર, ભોગ ઈત્યાદિ અર્પણ કરવામાં આવી રહ્યા હોય હાલમાં ચાલતી ગ્રીષ્મ ઋતુમાં ઠાકોરજીને ઠંડક અર્પણ કરવાના સાથે વિશિષ્ટ પુષ્પ શૃંગાર દર્શન યોજવામાં આવી રહયા છે. સાંજના સમયે ઠાકોરજીને ઠંડક આપતાં મનમોહક કુલો તેમજ કળીઓના વિશિષ્ટ શંગાર મનોરથ યોજવામાં આવ્યા હતા. સાથે જ ભાવિક ભકત પરિવાર દ્વારા વારાદાર પૂજારીના સૌજન્યથી કુંડલા ભોગ મનોરથ પણ યોજવામાં આવ્યો હતો. ગ્રીષ્મ ઋતુ દરમ્યાન સતત બે માસ સુધી ઠાકોરજીને સાંજના સમયે પુષ્પશૃંગાર યોજાનાર છે. આ ઉપરાંત ગ્રીષ્મકાળ દરમ્યાન ઠાકોરજીને ઋતુઅનુસાર ઠંકક આપતાં ભોગ ઇત્યાદિ પણ અર્પણ કરવામાં આવે છે.


