પ્રાચી તીર્થમાં દેવ પિતૃકાર્ય અમાસ નિમિત્તે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, પિતૃ તર્પણ, પૂજા અર્ચના કરવા ભારે ઘસારો જાેવા મળ્યો

પ્રાચી તીર્થમાં દેવ પિતૃકાર્ય અમાસ નિમિત્તે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, પિતૃ તર્પણ, પૂજા અર્ચના કરવા ભારે ઘસારો જાેવા મળ્યો

(પ્રતિનિધિ દ્વારા)
 પ્રાચી, તા.૧૮
સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે દેવ પિતૃકાર્ય અમાસ નિમિત્તે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ચૈત્ર મહિનાની આ અંતિમ અમાસના પવિત્ર દિવસે ભાવિકોએ પિતૃ તર્પણ અને પૂજા અર્ચના કરી હતી. શ્રદ્ધાળુઓએ સૌપ્રથમ મોક્ષ પીપળે પાણી રેડી, ૧૦૮ પ્રદક્ષિણા કરી પિતૃઓની આત્મશાંતિ માટે પુણ્યાર્જન કર્યું હતું. આ ઉપરાંત, મહાદેવને દૂધ, કાળા તલ અને સાકર અર્પણ કરીને ગ્રહ પીડા દૂર કરવાની માન્યતા મુજબ પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી.
ચૈત્ર મહિનાની આ છેલ્લી અમાસને વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. આ દિવસે ત્રિવેણી સંગમ રચાતા પિતૃ તર્પણ, દાન અને શ્રાદ્ધનું વિશેષ ફળ પ્રાપ્ત થતું હોવાનું મનાય છે. દેશ-વિદેશમાંથી અને સૌરાષ્ટ્ર સહિત ભારતના વિવિધ ભાગોમાંથી આવેલા હજારો યાત્રાળુઓએ પ્રાચી તીર્થના પવિત્ર સ્થળે પહોંચી પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરી હતી. યાત્રાળુઓએ અહીં બિરાજતા શ્રી માધવરાયજી પ્રભુના દર્શન તેમજ નદી કિનારે આવેલા છ શિવ મંદિરોમાં પણ પૂજા અર્ચના કરી હતી. પ્રાચી તીર્થને પાંડવકાલીન તીર્થ માનવામાં આવે છે. અહીં પ્રાચીન સરસ્વતી નદીનો પ્રવાહ, છ શિવમંદિરો અને પ્રસિદ્ધ મોક્ષ પીપળો હોવાથી આ તીર્થને અનન્ય મહત્વ પ્રાપ્ત છે. સ્કંદપુરાણ સહિતના અનેક ગ્રંથોમાં પ્રાચી તીર્થના મહાત્મ્યનો ઉલ્લેખ થયો છે. માન્યતા મુજબ, દેવ પિતૃકાર્ય અમાસના દિવસે અહીં સ્નાન, તર્પણ અને દાન કરવાથી પિતૃદોષનો નાશ થાય છે અને અખૂટ પુણ્ય મળે છે. સો વાર કાશી - એક વાર પ્રાચી" કહેવતને સાર્થક કરતા લાખો યાત્રાળુઓના કારણે આખો વિસ્તાર ભક્તિભાવમાં તરબોળ થઈ ગયો હતો. ભીડને કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ ન સર્જાય તે માટે સુત્રાપાડા પોલીસે સુંદર સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ગોઠવી સફળ કામગીરી કરી હતી.