ભારતીય સેનાની કમાન હવે ધીરજ સેઠના હાથમાં

નિવૃત્ત થતાં જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ નવા નેતૃત્વ પર વ્યક્ત કર્યો વિશ્વાસ

ભારતીય સેનાની કમાન હવે ધીરજ સેઠના હાથમાં

નવી દિલ્હી તા.30
ભારતીય સેનામાં નેતૃત્વ પરિવર્તન સાથે નવા અધ્યાયની શરૂઆત થઈ છે. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આર્મી ચીફ તરીકેનો કાર્યકાળ પૂર્ણ કરીને મંગળવારે પદ પરથી નિવૃત્તિ લીધી. વિદાય પહેલાં તેમણે નવી દિલ્હીના નેશનલ વોર મેમોરિયલ ખાતે પહોંચી દેશ માટે સર્વસ્વ અર્પણ કરનારા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ત્યારબાદ ભારતીય સેનાની કમાન જનરલ ધીરજ સેઠને સોંપવામાં આવી. તેઓ ભારતના 31મા આર્મી ચીફ તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. ડિસેમ્બર 1986માં ભારતીય સેનામાં જોડાયેલા જનરલ સેઠને આશરે ચાર દાયકાનો લશ્કરી અનુભવ છે. પોતાની કારકિર્દી દરમિયાન તેમણે દેશના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં સેવા આપી છે તેમજ અનેક મહત્વપૂર્ણ કમાન્ડ, સ્ટાફ અને ઓપરેશનલ જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી છે.
નિવૃત્તિ પ્રસંગે જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષ દરમિયાન ભારતીય સેનાએ દરેક મોરચે પોતાની સજ્જતા, સતર્કતા અને કામગીરીને વધુ મજબૂત બનાવી છે. ઉત્તરીય સરહદો પર દળોએ સતત ચુસ્ત તહેનાતી જાળવી રાખી છે, જ્યારે પશ્ચિમી સરહદે પણ શિસ્ત અને સંયમ સાથે જવાબદારીઓનું સફળતાપૂર્વક પાલન કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રીય સુરક્ષાના દરેક મુદ્દે સેનાએ સ્પષ્ટ વ્યૂહરચના, અનુશાસન અને જવાબદારી સાથે કામગીરી કરી છે.
જનરલ દ્વિવેદીએ ત્રણેય સેનાઓ વચ્ચે વધેલા સંકલનને પણ મહત્વપૂર્ણ ગણાવ્યું. તેમના જણાવ્યા મુજબ થલસેના, નૌસેના અને વાયુસેનાએ પરસ્પર વિશ્વાસ અને સંયુક્ત અભિગમ સાથે અનેક મહત્વપૂર્ણ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તેમણે જણાવ્યું કે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સ્થિતિ હાલ સ્થિર છે, પરંતુ સંવેદનશીલ પણ છે, અને ભારતીય સેના કોઈપણ પડકારનો સામનો કરવા સંપૂર્ણપણે તૈયાર છે.
નવા આર્મી ચીફ જનરલ ધીરજ સેઠ સૈનિક પરંપરા ધરાવતા પરિવારમાંથી આવે છે. તેમના પિતા લેફ્ટનન્ટ જનરલ કૃષ્ણ મોહન સેઠ પણ ભારતીય સેનામાં ઉચ્ચ હોદ્દા પર સેવા આપી ચૂક્યા છે. લશ્કરી ફરજો ઉપરાંત જનરલ સેઠને રમતગમતમાં પણ વિશેષ રસ છે અને તેઓ ટેનિસ તેમજ ગોલ્ફ રમવાનું પસંદ કરે છે.
ભારતીય સેનાના નવા વડા તરીકે જનરલ ધીરજ સેઠ હવે દેશની સુરક્ષા, સરહદી પડકારો અને સેનાના આધુનિકીકરણ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નેતૃત્વ આપશે. તેમના નેતૃત્વમાં ભારતીય સેના વધુ મજબૂત અને આધુનિક બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નવ નિયુક્ત આર્મી ચીફ ધીરજ શેઠ