પશ્ચિમ બંગાળમાં અરાજકતા : ભાજપના વરિષ્ઠ નેતા સુવેન્દુ અધિકારીના પીએની હત્યાના ગંભીર પ્રત્યાઘાતો

પ.બંગાળમાંથી ગુંડાઓનો સફાયો કરીશું : સુવેન્દુ  "જ્યાં સુધી હુમલાખોરોની ઓળખ નહીં થાય ત્યાં સુધી મૃતકના અંતિમ સંસ્કાર નહીં કરાય"

પશ્ચિમ બંગાળમાં અરાજકતા : ભાજપના વરિષ્ઠ નેતા સુવેન્દુ અધિકારીના પીએની હત્યાના ગંભીર પ્રત્યાઘાતો

(એજન્સી)            કોલકતા,તા.7
પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા સુવેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની હત્યા બાદ રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે. સુવેન્દુ અધિકારીએ  આ ઘટનાને હચમચામી દેનારી ગણાવી અને કહ્યું કે આ હત્યા અગાઉથી પૂરા પ્લાનિંગ સાથે કરવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે હુમલાખોરોએ ઘણા દિવસો સુધી રેકી કર્યા બાદ આ ઘટનાને અંજામ આપી હતી. તેમણે કહ્યું કે અમે અહીંના ગુંડાઓનો સફાયો કરી દઈશું.
ઘટના બાદ સુવેન્દુ અધિકારીએ કહ્યું કે તેમના સહયોગી ચંદ્રનાથ રથની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે અને તેની જેટલી નિંદા કરવામાં આવે એટલી ઓછી છે. તેમણે લોકોને કાયદો હાથમાં નહીં લેવાની અપીલ પણ કરી હતી. 
સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, માત્ર ચંદ્રનાથ રથ જ નહીં, પરંતુ ભાજપના એક કાર્યકરને બશીરહાટમાં ગોળી મારવામાં આવી અને બીજા કાર્યકરને બારાનગરમાં ચપ્પુ મારવામાં આવ્યું હતુ. 
સુવેન્દુએ આરોપ લગાવ્યો કે, આ હુમલો સંપૂર્ણપણે અગાઉથી વિચારેલી વ્યૂહનીતિનો ભાગ હતો. બે થી ત્રણ દિવસ સુધી રેકી કરવામાં આવી હતી અને ત્યારબાદ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણકારી ભારતીય જનતા પાર્ટીને આપી દેવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે પણ મૃતકના પરિવાર અને પોલીસ અધિકારી સાથે વાત કરી છે. ભાજપના અનેક ધારાસભ્યો અને નેતાઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સુવેન્દુ અધિકારીએ તૃણમૂલ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, આ 15 વર્ષના 'મહા જંગલરાજ'નું પરિણામ છે. ભાજપ હવે રાજ્યમાં ગુંડાગીરી ખતમ કરવાનું કામ કરશે.
ભાજપ નેતા અને નવનિર્વાચિત ધારાસભ્ય કૌસ્તવ બાગચીએ કહ્યું, 'આ એક સુનિયોજિત હુમલો હતો. હુમલાખોરોએ ચંદ્રનાથની કારનો લાંબો સમય સુધી પીછો કર્યો અને પછી તેમના પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું.'
તેમણે આરોપ લગાવ્યો કે, 'આ મમતા બેનરજી અને અભિષેક બેનરજીનું ષડયંત્ર છે. જ્યાં સુધી ગુનેગારોની ઓળખ નહીં થાય, ત્યાં સુધી અમે ચેનથી બેસીશું નહીં. ત્યાં સુધી અમે  મૃતકના અંતિમ સંસ્કાર નહીં કરીએ.'