જૂનાગઢ મનપાનું જનરલ બોર્ડ વિરોધ પક્ષનાં ધારદાર સવાલો સાથે તોફાની બન્યું
પ્રજાનાં પૈસાનો થઈ રહેલો દુરઉપયોગ : પ્રાથમિક સુવિધાના પ્રશ્ને વિરોધ પક્ષ કોંગ્રેસે અનેક સવાલો ઉઠાવ્યા
જૂનાગઢ તા. ૧૩
જૂનાગઢ મનપાનું જનરલ બોર્ડ રાબેતા મુજબ આજે વિરોધ પક્ષ કોંગ્રેસનાં ધારદાર સવાલો સાથે તોફાની બન્યું હતું. પ્રજાને પડતી મુશ્કેલી તેમજ પ્રજાનાં પૈસાના વેડફાટ બાબતે ભારે હોબાળો મચાવ્યો હતો. અને અઘરા સવાલોનો મારો ચલાવ્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ મનપાનાં જનરલ બોર્ડની એક મહત્વની બેઠક આજે મળી હતી. આ બેઠકમાં વિરોધ પક્ષ દ્વારા પ્રજાકીય પ્રશ્ને અનેક પ્રશ્નો અને રજુઆતો કરવામાં આવી હતી. ખાસ કરીને કોર્પોરેશન તંત્ર દ્વારા જે રીતે પ્રજાનાં પૈસાનો વેડફાટ થાય છે તેની સામે અવાજ ઉઠાવ્યો હતો. સુશોભન ખર્ચ, ભાવનગર ખાતે વડાપ્રધાનનાં કાર્યક્રમ અનવ્યે હાજરી આપતી વખતે થયેલો ખર્ચ, કાર્યક્રમ ભાવનગરમાં થયો અને આ કાર્યક્રમ અન્વયે જૂનાગઢ કોર્પોરેશને ભોજન સહીતની વ્યવસ્થામાં કરેલો ખર્ચ આ ઉપરાંત અન્ય બાબતમાં મનપા દ્વારા સુશોભનનું કાર્ય, પ્રસંગોપાત મંડપો સહીતનો ખર્ચ તેમજ વિવિધ ઉજવણીઓમાં કરાયેલો ખર્ચ તેમજ તા. ૯ નવેમ્બરનાં જૂનાગઢનાં આઝાદ દિનની દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે એ ઉજવણીમાં થતો ખર્ચ સહીતનાં વિવિધ ખર્ચનો હિસાબ વિરોધ પક્ષ દ્વારા છેલ્લા એક વર્ષનો હિસાબ માંગ્યો હતો. અને અઢળક નાણાં વાપર્યા હોવાનો ખુલાસો થયો છે એ બાબતે પણ આજની બેઠકમાં સવાલો ઉઠાવ્યા હતાં. આ ઉપરાંત કોંગ્રેસનાં મહીલા કોર્પોરેટરનું સભ્યપદ રદ થવા બાબતનો મુદો પણ ઉઠાવ્યો હતો. તેમજ દિવાળીના તહેવારો નજીક આવી રહયા છે ત્યારે રસ્તા, લાઈટ, પાણી સહીતના પ્રજાકીય પ્રશ્ને પણ વિરોધ પક્ષ કોંગ્રેસ પક્ષ અને તેમના કોર્પોરેટરો દ્વારા વિવિધ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. આજની આ જનરલ બોર્ડની સભામાં વિરોધ પક્ષે અણીયારો સવાલો ઉઠાવ્યા હતા.


