ગિરનાર અભયારણ્યમાં વન્યજીવોની મેગા સેન્સસ શરૂ
150થી વધુ કર્મચારીઓ મેદાનમાં; બે દિવસ સુધી શાકાહારી પ્રાણીઓની વસ્તીનો થશે વૈજ્ઞાનિક સર્વે
જૂનાગઢ તા.9
ગિરનારના ગાઢ જંગલોમાં આજથી વન્યજીવોની મહત્વપૂર્ણ ગણતરી કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જૂનાગઢ વન વિભાગ દ્વારા હાથ ધરાયેલી આ કામગીરી આગામી બે દિવસ સુધી ચાલશે, જેમાં અભયારણ્ય વિસ્તારમાં વસવાટ કરતા વિવિધ શાકાહારી પ્રાણીઓની વસ્તીનો અંદાજ મેળવવામાં આવશે.
વન વિભાગે આ સર્વે માટે વિશેષ આયોજન કર્યું છે. ટ્રેકર્સ, વનરક્ષકો, ફોરેસ્ટર તેમજ અન્ય કર્મચારીઓ સહિત 150થી વધુનો સ્ટાફ જુદા જુદા વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યો છે. સમગ્ર કામગીરી દરમિયાન આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
ગિરનારના વિવિધ જળસ્ત્રોતો અને વન્યજીવોની અવરજવર ધરાવતા વિસ્તારોમાં ટીમો દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ચિતલ, સાંબર, નીલગાય, ચિંકારા, ચારસિંગા અને જંગલી સૂવર સહિતના પ્રાણીઓની નોંધ લેવામાં આવશે.
વન વિભાગના જણાવ્યા મુજબ આ ગણતરીના આંકડા ભવિષ્યમાં વન્યજીવ સંરક્ષણ, રહેઠાણ વિકાસ અને જૈવવિવિધતાના સંવર્ધન માટે ઉપયોગી સાબિત થશે. સાથે જ નાગરિકો અને પ્રકૃતિપ્રેમીઓને અપીલ કરવામાં આવી છે કે ગણતરી દરમિયાન જંગલ વિસ્તારમાં વન્યપ્રાણીઓને કોઈપણ પ્રકારની ખલેલ પહોંચે નહીં તેની ખાસ કાળજી રાખે.


