ભારતીય વાયુસેનાનું ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ક્રેશ : પાયલટ સહિત 5 શહીદ
આસામમાં AN-32 વિમાનમાં લેન્ડ થતાં જ આગ લાગી, બે ટુકડા થયા
(એજન્સી) જોરહાટ તા.13
આસામના જોરહાટમાં રૌરિયા એરબેઝ પર શનિવારે સવારે લેન્ડિંગ દરમ્યાન એક સૈન્ય વિમાન ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે વિમાન એરબેઝ પર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. દુર્ઘટના બાદ તેમાં આગ લાગી ગઈ અને તેના બે ટુકડા થઈ ગયા.
આ AN-32 માલવાહક વિમાન હતું, જેનો ઉપયોગ સૈનિકો અને સામાનની હેરફેર માટે થાય છે. દુર્ઘટનામાં પાયલટ સહિત 5 જવાનો શહીદ થયા છે.
ભારતીય વાયુસેના પાસે લગભગ 100 એન્ટોનોવ AN-32 ટેક્ટિકલ ટ્રાન્સપોર્ટ વિમાનોનો કાફલો છે. જોકે, IAFએ શરૂઆતમાં સોવિયેત મૂળના આવા 125 વિમાનો ખરીદ્યા હતા, પરંતુ હવે સક્રિય-ડ્યુટી વિમાનોની સંખ્યા લગભગ 100 રહી ગઈ છે.
AN-32 એ 1980 થી IAFની મધ્યમ-લિફ્ટ ટ્રાન્સપોર્ટ ક્ષમતાઓની કરોડરજ્જુ તરીકે કામ કર્યું છે. ગરમ હવામાન અને હિમાલય જેવા ઊંચા વિસ્તારોમાં ઓપરેશન દરમિયાન તેની મજબૂતીને કારણે તેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.


