શેરબજારમાં પમ્પ એન્ડ ડમ્પ કૌભાંડનો પર્દાફાશ
અમદાવાદ, ગાંધીનગર, સુરત અને ભાવનગરમાં ઈડીના વ્યાપક દરોડા
મુંબઈ,તા.૨૦:
અમદાવાદ સહિત ગુજરાતનાં ચાર શહેરો અને મહારાષ્ટ્રનાં મુંબઈ તથા નાસિક સહિત કુલ ૬ શહેરોમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ૨૯ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહી બે લિસ્ટેડ કંપનીઓના શેરમાં કથિત પંપ એન્ડ ડમ્પ કૌભાંડની તપાસના ભાગરૂપે કરવામાં આવી છે. તપાસ દરમિયાન ED દ્વારા આશરે રૂ. ૨૦૦ કરોડનાં ટ્રેડિગ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યાં હોવાનું પણ જાણવા મળ્યું છે. મુંબઈ EDની ટીમે અમદાવાદ, ગાંધીનગર, સુરત અને ભાવનગર સહિતનાં સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન સંબંધિત કંપનીઓની ઓફિસો, પ્રમોટરોના નિવાસ સ્થાનો, ફાઇનાન્સ કંપનીઓ અને શેરબજાર સાથે સંકળાયેલા લોકોની તપાસ કરવામાં આવી હતી. તપાસ એજન્સીએ શેરના વ્યવહારોના રેકોર્ડ અને મિલકતને લગતા દસ્તાવેજો પણ જપ્ત કર્યા હોવાનું સામે આવ્યું છે.


