યાત્રાધામ દ્વારકામાં હાઈવે નજીકના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી બીજા દિવસે પણ યથાવત

યાત્રાધામ દ્વારકામાં હાઈવે નજીકના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી બીજા દિવસે પણ યથાવત

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.ર૭
યાત્રાધામ દ્વારકામાં વહીવટી તંત્ર દ્વારા ફુલડોલ ઉત્સવ પૂર્વે જ ગઈકાલથી શરૂ કરાયેલ ગેરકાદેસર દબાણ હટાવવાની કામગીરી આજે બીજા દિવસે પણ યથાવત રહી હતી.  હાઈવે ઓથોરીટીની જગ્યા પર વર્ષોથી જમાવેલા દબાણો પણ તંત્રએ કડક કામગીરી હાથ ધરતા શહેરમાંથી પસાર થતાં હાઈવે માર્ગોમાં હાથી ગેઈટથી ઈસ્કોન ગેઈટ સુધીના વિસ્તારોમાં સપાટો બોલાવી માર્ગમાં અવરોધરૂપ બનતા કાચા-પાકા દબાણોને પોલીસ બંદોબસ્ત સાથે રાખી જેસીબીની મદદથી જમીનદોસ્ત કરવામાં આવી રહયા છે. તંત્રની કડક કામગીરીના પગલે દબાણકારોમાં ફફડાટ વ્યાપ્યો છે. સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર તંત્ર દ્વારા આગામી આયોજનરૂપે શહેરના કોમર્શીયલ તેમજ રહેણાંક વિસ્તારોમાં સરકારી જમીનો પરના દબાણકારો પૈકી ૪૦ થી વધુ એકમોને નોટીસ પાઠવવામાં આવી છે. તે જોતા આગામી દિવસોમાં પણ હાઈવે સંલગ્ન દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાય તેવી પૂરી સંભાવના છે.