ગુજરાતમાં દારૂબંધીને કારણે વૈભવી લગ્ન સમારંભો રાજસ્થાનમાં ઉજવાતા હોટલ ઉદ્યોગને રૂા.૧પ૦૦ કરોડનું નુકશાન
(બ્યુરો) અમદાવાદ તા.૨૧:
રાજ્ય સરકારે તાજેતરમાં રજૂ કરેલા બજેટમાં ગુજરાતને વૈભવી અને સંસ્કૃતિથી સમૃદ્ધ લગ્ન સ્થળ તરીકે સ્થાપિત કરવા ‘‘વેડ ઇન ગુજરાત‘‘ કેમ્પેઇન માટેના આયોજનની જાહેરાત કરી હતી. એકતરફ ગુજરાતમાં દારૂબંધી છે, પણ રાજ્ય સરકારને હેલ્થ લિકર પરમિટ ફી પેટે થતી આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગુજરાત વિધાનસભામાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ૨૦૨૪-૨૦૨૫ના સમયગાળામાં રાજ્યને કુલ રૂ. ૭,૮૮,૬૮,૦૦૦ ની આવક થઈ હતી. જ્યારે ૨૧ જાન્યુઆરી ૨૦૨૫થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ સુધીના સમયગાળામાં આ આવક વધીને રૂ. ૮,૬૩,૧૫,૦૦૦ પર પહોંચી ગઈ હતી. આમ, માત્ર એક જ વર્ષમાં પરમિટ ફીની આવકમાં અંદાજે ૭૪ લાખ રૂપિયાથી વધુનો વધારો નોંધાયો હતો.ગુજરાત સરકાર રાજ્યને વેડિગ અને ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરવા માંગે છે. પરંતુ ગુજરાતમાં દારૂબંધીના કારણે લગભગ ૫૦૦ શાહી લગ્નો રાજસ્થાનમાં યોજાય છે. જેના કારણે રાજ્યને વેડિગ બિઝનેસમાં દર વર્ષે અંદાજે રૂ. ૧,૫૦૦ કરોડનું નુકસાન થાય છે.


