સમંથા રૂથ પ્રભુએ રાજ નિદિમોરુ સાથે કરી પરંપરાગત ‘સીમંતમ’ વિધિ, શેર કરી આધ્યાત્મિક અનુભવની તસવીરો
પ્રથમ સંતાનના આગમન પહેલાં નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં યોજાઈ પરંપરાગત વિધિ; મંત્રો અને ધાર્મિક વિધિઓનો અર્થ જાણ્યા બાદ અનુભવને ગણાવ્યો વધુ ઊંડો અને વ્યક્તિગત
મુંબઈ, તા.૧૮
અભિનેત્રી સમંથા રૂથ પ્રભુએ પતિ અને દિગ્દર્શક રાજ નિદિમોરુ સાથે પરંપરાગત ‘સીમંતમ’ વિધિ યોજી હોવાની માહિતી અને તસવીરો શેર કરી છે. આપેલી માહિતી અનુસાર ડિસેમ્બર 2026માં પ્રથમ સંતાનના આગમનની તૈયારી કરી રહેલા દંપતીએ પરિવારજનો અને નજીકના મિત્રોની હાજરીમાં આ પરંપરાગત બૅબી શાવર વિધિ કરી હતી. સમંથાએ આ પ્રસંગની તસવીરો શેર કરવાની સાથે વિધિ દરમિયાન થયેલા પોતાના આધ્યાત્મિક અનુભવ વિશે પણ વાત કરી હતી.
આ ખાસ પ્રસંગે સમંથા ડાર્ક યલો અને ગોલ્ડ રંગના પરંપરાગત અનારકલી ડ્રેસમાં જોવા મળી હતી. પરંપરાગત જ્વેલરી અને વાળમાં તાજા ફૂલો સાથે તેણે પોતાનો લૂક પૂર્ણ કર્યો હતો. રાજ નિદિમોરુ પણ સમગ્ર વિધિ દરમિયાન તેની સાથે જોવા મળ્યા હતા.
સીમંતમ માટે ખુલ્લા સ્થળને મોગરાના ફૂલો અને પરંપરાગત દીવાઓથી સજાવવામાં આવ્યું હતું. વિધિમાં પરિવારના સભ્યો ઉપરાંત દંપતીના નજીકના મિત્રો પણ હાજર રહ્યા હતા. ડિઝાઈનર શિલ્પા રેડ્ડી અને સ્ટાઈલિસ્ટ નીરજા કોના સહિતના મિત્રો પણ આ પ્રસંગમાં સામેલ થયા હોવાનું જણાવાયું છે.
સમંથાએ પોતાના અનુભવ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ભારતીય પરંપરાઓ પ્રત્યે તેને હંમેશાં સન્માન રહ્યું છે, પરંતુ ઘણી ધાર્મિક અને પરંપરાગત વિધિઓ પાછળ રહેલા અર્થ વિશે તેને સંપૂર્ણ જાણકારી નહોતી. સીમંતમ દરમિયાન શ્રીવિદ્યા પરંપરા સાથે જોડાયેલા પુરોહિતે દરેક મંત્ર અને વિધિનો અર્થ સમજાવ્યો હતો. તેના કારણે આ પરંપરાની પાછળ રહેલા આધ્યાત્મિક અર્થને વધુ ઊંડાણપૂર્વક સમજવાની તક મળી હોવાનું સમંથાએ જણાવ્યું હતું.
આ વિધિ દરમિયાન ‘કલા આવરણ’ અથવા ‘શ્રી કલ્પમ’ તરીકે ઓળખાતી વિધિનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોવાનું સમંથાએ શેર કર્યું હતું. તેના જણાવ્યા પ્રમાણે આ વિધિ શ્રીવિદ્યા પરંપરા સાથે જોડાયેલી છે અને તેમાં દેવીની 94 કલાઓનું સન્માન કરવામાં આવે છે.
આ ઉપરાંત ‘શ્રી ચક્ર યંત્રમ’ અને ‘દેવી ખડ્ગમાળા’ સાથે જોડાયેલા મંત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હોવાનું તેણે જણાવ્યું હતું. સમંથાના કહેવા પ્રમાણે આ તમામ વિધિઓ અને મંત્રો પાછળનો અર્થ સમજાવવામાં આવતાં સમગ્ર અનુભવ તેના માટે માત્ર પરંપરાગત પ્રસંગ પૂરતો મર્યાદિત ન રહ્યો, પરંતુ વ્યક્તિગત અને આધ્યાત્મિક અનુભવ બની ગયો.
સમંથાએ જણાવ્યું હતું કે શરૂઆતમાં આ વિધિની ઘણી બાબતો વિશે તે લગભગ અજાણ હતી, પરંતુ વિધિ પૂર્ણ થયા બાદ તેણે પોતાના જીવન અને આવનારા બાળક માટે વધુ કૃતજ્ઞતા અને સુરક્ષાની લાગણી અનુભવી હતી.
સમંથા અને રાજ નિદિમોરુ સાથે જોડાયેલા આ પ્રસંગની તસવીરો સામે આવ્યા બાદ તેમના ચાહકોનું પણ ધ્યાન ખેંચાયું છે. પરંપરાગત સજાવટ, પરિવાર અને નજીકના મિત્રોની હાજરી વચ્ચે યોજાયેલી સીમંતમ વિધિની તસવીરો સાથે સમંથાએ આ પરંપરા પાછળ રહેલા આધ્યાત્મિક પાસાને પણ પોતાના અનુભવના આધારે રજૂ કર્યો છે.


