દ્વારકા નજીક એરપોર્ટ નિર્માણ અંગે પ્રાથમિક સર્વેની કામગીરી શરૂ : ખેડૂતોનો વિરોધ

સરકારી ચોપડે જમીનો ફળદ્રુપ હોવાનું ફલિત થાય છે તો હવે પછી સર્વે શાનો તેવા વેધક સવાલો સાથે સર્વે કામગીરીનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો

દ્વારકા નજીક એરપોર્ટ નિર્માણ અંગે પ્રાથમિક સર્વેની કામગીરી શરૂ : ખેડૂતોનો વિરોધ

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા. ર૦
દ્વારકા નજીકના વસઈ, મેવાસા, ગઢેચી અને કલ્યાણપુર ગામની જમીનમાં પ્રસ્તાવિત એરપોર્ટ પ્રોજેકટ અંતર્ગત આજરોજ દ્વારકાના પ્રાંત અધિકારીની આગેવાનીમાં પ્રાથમિક સર્વેની કામગીરીનો પ્રારંભ કરાયો છે. ખેડૂતો દ્વારા આ સર્વે કામગીરીનો વિરોધ કરાયો છે. થોડા સમય પૂર્વે દ્વારકા યાત્રાધામને એરપોર્ટની સુવિધા આપવા હેતુ દ્વારકા નજીકના વસઈ, મેવાસા, ગઢેચી અને કલ્યાણપુર એમ ચાર ગામોની કુલ ૨૬૭ સર્વે નંબરવાળી જગ્યાઓ પર પ્રસ્તાવિત એરપોર્ટ નિર્માણની જાહેરાત કરાયા બાદ આજરોજ દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટે તથા અધિકારીગણની હાજરીમાં પ્રસ્તાવિત જમીન પર પ્રાથમિક સર્વેની કામગીરીનો પ્રારંભકરાયો છે. ૨૬૭ સર્વે નંબરો પૈકી અમૂક જમીનો સરકારી માલીકીની છે જ્યારે અમૂક સર્વે નંબરોવાળી જમીન ખાનગી માલીકીની છે. જમીનોના સંપાદનની કામગીરી થાય તે પહેલા આજરોજ પ્રસ્તાવિત જમીનોની પ્રાથમિક સર્વેની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે જે કામગીરી આગામી ૭-૮ દિવસ સુધી ચાલે તેવી સંભાવના છે. ખેડૂતોએ વસઈ એરપોર્ટ નિર્માણ અંગે આ અગાઉ એરપોર્ટની જાહેરાત બાદ જ એરપોર્ટ પ્રોજેકટને વસઈ આસપાસની ફળદ્રુપ જમીન પર ન કરવા અને અન્યત્ર ખસેડવા તંત્રને રજૂઆતો કરવામાં આવેલ છે. આજરોજ થયેલ કામગીરીનો પણ ખેડૂત આગેવાનોની ઉપસ્થિતિમાં ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે.

એરપોર્ટ અંતર્ગત ચાર ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ અગાઉ એરપોર્ટ પ્રોજેકટને અન્યત્ર ખસેડવાની માંગ સાથે વિરોધ - રજૂઆતો કર્યા બાદ આજની કામગીરી અંગે ખેડૂત આગેવાનોએ પ્રતિભાવ આપતા જણાવેલ કે આ વિસ્તારની જમીનો ફળદ્રુપ હોય તાજેતરમાં માવઠામાં ઊંચા વળતરની ચૂકવણી સરકાર દ્વારા કરવામાં આવી હોય સરકારી ચોપડે જમીનો ફળદ્રુપ હોવાનું ફલિત થાય છે તો હવે પછી સર્વે શાનો તેવા વેધક સવાલો સાથે સર્વે કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો. આ અગાઉ પણ ખેડૂતો દ્વારા વસઈ આસપાસની ફળદ્રુપ જમીનો આપવાના સાફ ઈન્કાર સાથે વખતો વખત મીટીંગો યોજી અને સરકારમાં લેખીત વિરોધ વ્યકત કરી પ્રોજેકટને અન્ય જગ્યા પર ખસેડવા રજૂઆતો કરવામાં આવી છે.
આ અંગે દ્વારકાના પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે એરપોર્ટ પ્રોજેકટ અંતર્ગત મેવાસા, વસઈ, ગઢેચી અને કલ્યાણપુરના વિવિધ સર્વે નંબરવાળી જમીનો પૈકી આજરોજ મુખ્યત્વે સરકારી જમીનોના સર્વેની કામગીરીનો પ્રારંભ કરાયો છે. સરકારી જમીનો પર દબાણો હશે તો તે અંગે રેવન્યુ કોડ અનુસાર પ્રોસેસ કરવામાં આવશે. આ સર્વેની કામગીરી આગામી સમયમાં પણ ચાલતી રહેશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.