વેરાવળની સ્મશાન ગૃહની ગેસ ભઠ્ઠી સાત દિવસથી બંધ હોવાથી મૃતદેહોનો મલાજો ન જળવતા લોકોમાં રોષ પ્રવર્તેલ
(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ તા.6
વેરાવળમાં કાર્યરત નગરપાલિકા સંચાલિત સ્મશાનગૃહમાં છેલ્લા સાત દિવસથી ગેસ આધારિત અગ્નિ સંસ્કારની ભઠ્ઠી બંધ હોવાના કારણે મૃતદેહો લઈને આવેલ સ્વજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહેલ હતો. સ્મશાનગૃહ જેવી અત્યંત આવશ્યક જાહેર સેવામાં ખલેલ પહોંચતાં લોકોમાં અસંતોષની લાગણી જોવા મળતી હતી. રવિવારે સવારે પરિસ્થિતિ ત્યારે વધુ વિકટ બનેલ જ્યારે એકી સાથે છ મૃતદેહો અગ્નિ સંસ્કાર માટે સ્મશાનગૃહ ખાતે પહોંચ્યા હતા. તે સમયે ગેસ ભઠ્ઠી કાર્યરત ન હોવાથી તમામ મૃતદેહોના અગ્નિ સંસ્કાર પરંપરાગત લાકડાની ચિતા દ્વારા કરવાની ફરજ પડી હતી. જો કે છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં પડી રહેલા સતત વરસાદના કારણે લાકડાં પલળી ગયા હોવાથી ચિતા સળગાવવામાં પણ ભારે વિલંબ થયો હતો. પરિણામે સ્વજનોને કલાકો સુધી રાહ જોવી પડી રહી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સ્મશાનગૃહની ગેસ આધારિત ભઠ્ઠીમાં છેલ્લા ઘણા સમયથી વારંવાર તકનીકી ખામીઓ સર્જાતી રહી છે. અનેક વખત મરામત કરાવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. જાહેર સુવિધા હોવા છતાં ભઠ્ઠી લાંબા સમય સુધી બંધ રહેતાં લોકોને વિકલ્પ તરીકે લાકડાની ચિતાનો સહારો લેવો પડે છે. જો કે, વરસાદી માહોલમાં લાકડાં ભીના થઈ જતાં હોવાથી અગ્નિ સંસ્કારની પ્રક્રિયા વધુ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં શોકગ્રસ્ત પરિવારોને માનસિક વ્યથા ઉપરાંત વધારાની અસુવિધા પણ સહન કરવી પડે છે. સ્થાનિકોએ પાલિકા તંત્ર પાસે ગેસ ભઠ્ઠી તાત્કાલિક કાર્યરત કરવા તેમજ સ્મશાનગૃહની સુવિધાઓમાં કાયમી સુધારા કરવાની માંગ ઉઠાવી છે. પાલિકા સંચાલિત આ સ્મશાનગૃહમાં દરરોજ અનેક પરિવારો અંતિમવિધિ માટે આવે છે. તેથી ગેસ આધારિત ભઠ્ઠી જેવી મૂળભૂત સુવિધા સતત કાર્યરત રહે તે અત્યંત જરૂરી છે. લોકોનું માનવું છે કે સ્મશાનગૃહ જેવી સંવેદનશીલ સેવાઓમાં બેદરકારીને કોઈ સ્થાન ન હોવું જોઈએ અને ભવિષ્યમાં આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્રે સમયસર જાળવણી અને અસરકારક આયોજન કરવું જરૂરી છે.


