ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ૯ વર્ષ પૂર્ણ થવાના અવસરે ખોડલધામ સંગઠન કન્વીનર મીટ-૨૦૨૬નું ભવ્ય આયોજન કરાયું

ઝોન અધ્યક્ષ, કન્વીનરો, સહ કન્વીનરોને સન્માનિત કરી નિમણુંક પત્ર એનાયત કરાયા : ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે અનારબેન પટેલના નામની જાહેરાત કરતાં નરેશભાઈ પટેલ

ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ૯ વર્ષ પૂર્ણ થવાના અવસરે ખોડલધામ સંગઠન કન્વીનર મીટ-૨૦૨૬નું ભવ્ય આયોજન કરાયું

કાગવડ તા. રર
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા તા.૨૧ જાન્યુઆરી ને બુધવારના રોજ ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ૯ વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે ખોડલધામ મંદિર ખાતે ખોડલધામ સંગઠન કન્વીનર મીટ-૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન અને સ્વપ્નદ્રષ્ટા નરેશભાઈ પટેલની અધ્યક્ષતા અને ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ કન્વીનર મીટમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ગુજરાતભરના તમામ ઝોન અધ્યક્ષ, જિલ્લા, તાલુકા, શહેર, વોર્ડના કન્વીનર, સહ કન્વીનર ભાઈઓ તથા બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ કન્વીનર અને સહકન્વીનરોને નિમણૂંક સહ અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં જ ઉપસ્થિત લોકોની વચ્ચે ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા સંગઠનને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. આ પાવન દિવસે હર્ષ સાથે નરેશભાઈ પટેલે ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે અનારબેન પટેલના નામની જાહેરાત કરી હતી. નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખોડલધામના સંગઠનને લગતી જવાબદારી હવેથી અનારબેન પટેલ સંભાળશે. આ ઉપરાંત નરેશભાઈ પટેલે અમદાવાદ ઝોનના નવા અધ્યક્ષ તરીકે પરસોત્તમભાઈ ગેવરીયા, કનુભાઈ કોઠીયા અને વિઠ્ઠલભાઈ સાવલિયાના નામની જાહેરાત કરી હતી. આ બન્ને જાહેરાતને ઉપસ્થિત સૌએ સહર્ષ વધાવી લીધી હતી.
આ પ્રસંગે નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, હું હંમેશા કહું છું કે ખોડલધામ એક વિચાર છે અને આ વિચાર હંમેશા ચાલતો રહેવાનો છે. ખોડલધામ ટ્રસ્ટ હંમેશાથી એવા પ્રયત્નો કરે છે કે છેવાડાના ભાઈ-બહેન સુધી પહોંચીને તેને મદદરૂપ થવું. ખોડલધામના સંગઠનમાં અનારબેન પટેલ ખૂબ જ વિઝન સાથે આગળ વધી રહ્યા છે. ત્યારે તેઓને સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર કરતાં મને આનંદ છે. સમગ્ર ગુજરાતમાં સંગઠન મજબૂત બને તે માટે ખોડલધામ સંગઠનની મુખ્ય સમિતિના અનારબેન પટેલ, જશુમતીબેન કોરાટ, જેનીબેન ઠુંમર, ગોપાલભાઈ રૂપાપરા, મનોજભાઈ સાકરીયા અને હસમુખભાઈ લુણાગરીયા સતત પ્રવાસ કરીને જહેમત ઉઠાવી રહ્યા છે જે અભિનંદનને પાત્ર છે. ખોડલધામ મંદિર પરિસરની વ્યવસ્થા અને સ્વચ્છતા જાેઈને અનેક લોકો વખાણ કરે છે તેનો સમગ્ર શ્રેય આપ સૌને જાય છે. આ સંગઠન જાળવી રાખવું એ આપણી સૌની અને ખાસ કરીને યુવાનોની જવાબદારી છે. હાલ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા પાટણના સંડેર ખાતે ખોડલધામ મંદિર સંકુલનું કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત અમદાવાદ અને સુરત ખાતે પણ ખોડલધામ મંદિર સંકુલ બનશે . સાથે જ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે અતિથિ ભવન બનાવવામાં આવનાર છે. ઘણા શ્રદ્ધાળુઓની ઈચ્છા છે કે ખોડલધામ મંદિર કાગવડ ખાતે રહેવાની સુવિધા નથી ત્યારે ખોડલધામ મંદિર- કાગવડ ખાતે પણ રહેવાની સુવિધા માટે અતિથિ ભવનનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા એક અઠવાડિયા પહેલા જ ર્નિણય લેવાયો છે કે હરિદ્વારમાં પણ અતિથિ ભવનનું નિર્માણ કરવામાં આવે. સાથે જ જેનીબેન ઠુંમરની ટ્રસ્ટી તરીકે નિયુક્તિ કરવાની પણ જાહેરાત નરેશભાઈ પટેલે કરી હતી.

આ પ્રસંગે ખોડલધામ સંગઠનના અધ્યક્ષ  અનારબેન પટેલે જણાવ્યું હતું કે, મને સંગઠનના અધ્યક્ષ તરીકેની આટલી મોટી જવાબદારી આપીને નરેશભાઈ પટેલે જે વિશ્વાસ મારામાં મૂક્યો છે તે વિશ્વાસને હું ડગવા નહીં દઉં. નરેશભાઈ પટેલે ખોડલધામના સંગઠન રૂપી જે પાયા રોપીને જ ઈમારત બનાવી છે તે ઈમારતની એક ઈંટ બનવાનો મને અવસર મળ્યો છે તે બદલ હું આપનો આભાર વ્યક્ત કરૂં છું. છેલ્લા આઠેક મહિનામાં સમગ્ર ગુજરાતમાં સંગઠનની ટીમ સાથે દરેક જિલ્લા સુધી પહોંચીને તમામ નાના-મોટા કાર્યકરોને મળવાનો પ્રયત્ન કર્યો છે અને સૌની લાગણીઓને સમજી છે. સંગઠનમાં નવા લોકો આવશે અને તેને તૈયાર કરીને નવું ભવિષ્ય ઉભું કરવાના પ્રયત્નો આપણે સૌ કરીશું. જ્યાં સમાજ હોય ત્યાં એક બીજાના તાંતણા જાેડાતા હોય છે અને આપણે સૌ એક તાંતણે બંધાયેલા છીએ. જે સમાજે આપણને નાનપણથી અત્યાર સુધી ઘણું બધું આપ્યું છે તે સમાજ માટે કામ કરવા મને આ હોદ્દો મળ્યો છે. સંગઠનમાં આપણને જે કંઈ પણ હોદ્દો મળ્યો છે તે હોદ્દાની રૂએ આપણે નિયમોમાં રહીને આ હોદ્દાને નિભાવવીશું તો જ આપણે સમાજને કંઈક પાછું આપી શકીશું. ખોડલધામ થકી આપણે સૌ ભક્તિ દ્વારા એકતાની શક્તિથી જાેડાયેલા છીએ. જ્યાં માની ભક્તિ હોય ત્યાં કોઈ સ્વાર્થ ન હોવો જાેઈએ, હંમેશા હૃદય ચોખ્ખું હોવું જાેઈએ. નરેશભાઈ પટેલ હંમેશા કહેતા હોય છે કે જે થશે એ માતાજીની ઈચ્છાથી થશે. તેથી કદી પણ હું પણાનો ભાવ રાખવો જાેઈએ નહીં. આપણે સંગઠિત થઈશું તો જ ઈતિહાસ રચાશે. આપણા સંગઠન થકી નાનામાં નાના ગામ સુધી આપણે પહોંચીને સમાજનું કામ કરી શક્યા છીએ. સંસ્થાની ઓળખાણથી જ આપણી ઓળખાણ બને છે.
કન્વીનર મીટ પ્રસંગે જેનીબેન ઠુંમરે પોતાના સંબોધનમાં સમગ્ર ખોડલધામ સંગઠન માળખા વિષે વિગતે ચર્ચા કરી હતી. સાથે હસમુખભાઈ લુણાગરીયાએ પણ સંગઠન અંગે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મહત્વનું છે કે, ૨૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ યોજાયેલી આ કન્વીનર મીટમાં તમામ કન્વીનરો, સહ કન્વીનરોને નિમણૂંક સહ અભિનંદન પત્ર અને ઓળખપત્ર આપવામાં આવ્યા હતા અને આગામી બે વર્ષ માટે સંગઠનમાં નિમણૂંક કરવામાં આવી હતી. આ કન્વીનર મીટમાં ગુજરાતભરમાંથી સંગઠનના હોદ્દેદારો ઉપરાંત લેઉવા પટેલ સમાજ ન્યૂજર્સીના પ્રમુખ વીરજીભાઈ પાઘડાળ અને લંડનમાં ખોડલધામ સંગઠનની જવાબદારી સંભાળતા સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન મયુરભાઈ મુંગરા (જામનગર જિલ્લા કન્વીનર) અને આભારવિધિ દિપકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન્કર હરેશભાઈ કાવાણી દ્વારા કરાયું હતું.