જૂનાગઢ મનપાનાં વોર્ડ નં. ૩નાં ભાજપનાં કોર્પોરેટર અબ્બાસ કુરેશી સહીત ૪ આરોપીની ગુજસીટોક હેઠળ ધરપકડ : આજે રીમાન્ડ મંગાશે
જૂનાગઢ તા. રર
જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તેમજ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચના અને માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિ તેમજ અસામાજીક તત્વો વિરૂધ્ધ કડક કાર્યવાહીનાં ભાગરૂપે તેમજ આવા તત્વો સામે ગુજસીટોક જેવા આક્રમક પગલા લેવા સુચના આપવામાં આવેલ હોય જેના ભાગરૂપે જૂનાગઢ મનપાનાં વોર્ડ નં. ૩નાં ભાજપનાં કોર્પોરેટર અબ્બાસ ઈબ્રાહીમભાઈ કુરેશી તેના ભાઈ અસ્લમ ઉર્ફે લાલો ઈબ્રાહીમભાઈ કુરેશી અને અન્ય બે સાગરીત સહીત ચાર સામે ગુજસીટોકનો ગુનો નોંધાયા બાદ ગઈકાલે ચારેય આરોપીની ધરપકડ કરી અને જેલ હવાલે કરવામાં આવેલ છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ મહાનગરપાલીકાના વોર્ડ નં.૩ના ભાજપના કોર્પોરેટર અબ્બાસ ઈબ્રાહીમ કુરેશી, તેના ભાઈ અસ્લમ ઉર્ફે લાલો ઈબ્રાહીમભાઈ કુરેશી તેમજ તેના અન્ય બે સાગ્રીતો શાહબાઝ જાફરભાઈ કુરેશી અને કરીમ આમદભાઈ સીડા સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. કૃણાલ પટેલે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કુલ - ૪ શખ્સો વિરૂધ્ધ ધ ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ (ગુજસીટોક) એકટ-ર૦૧પની કલમ ૩(૧)ની પેટા કલમ (ર), ૩(ર) અને ૩(૪) મુજબ એફઆઈઆર નોંધી છે. જેમાં એવું જણાવ્યું છે કે આ કામના આરોપીઓએ સમાન ઈરાદો પાર પાડવા ભેગા મળી આરોપી-અસ્લમ કુરેશીની આગેવાની હેઠળ સંગઠીત ગુના આચરતી ટોળકી ઓર્ગેનાઈઝડ ક્રાઈમ સીન્ડીકેટ બનાવી એકબીજાના સંકલનમાં રહી એકબીજાને દુષ્પ્રેરીત કરી છેલ્લા ૧૦ વર્ષમાં જૂનાગઢ શહેર વિસ્તારમાં ગંભીર પ્રકારના ગુનાઓ જેમાં ખુનની કોશીષ, ખંડણી, બળજબરીથી કઢાવુ, હથિયાર ધારા, ઈજા, ખાનગી મિલ્કતને નુકશાન, પોલીસ પર હુમલા, જાનથી મારી નાખવાની ધમકી તથા સાઈબર ક્રાઈમ ફ્રોડ લગત ગુનાઓ આચરી ભયનું વાતાવરણ ઉભું કરી ગુનાઓ આચરી પોતાની ટોળકીની ગુનાહિત પ્રવૃતિ સતત ચાલુ રાખી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરી ગુન્હો કર્યા બાબતની વિગતો એફઆઈઆરમાં દર્શાવી છે. એ-ડીવીઝનના પીઆઈ વી.જે. સાવજે ફરિયાદ દાખલ કરી હતી. દરમ્યાન આ અંગેની વધુ તપાસ ડીવાયએસપી જૂનાગઢ ગ્રામ્ય રવિરાજસિંહ પરમારને સોંપવામાં આવી હતી. અને પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. અને મંગળવારે ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ કૃણાલ પટેલે ગેંગ વિરૂધ્ધ એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરમ્યાન ગઈકાલે ડીવાયએસપી રવીવરાજસિંહ પરમારનાં માર્ગદર્શન હેઠળ ગુજસીટોકનાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અને આજે વધુ પુછપરછ માટે આરોપીની રીમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજુ કરવામાં આવનાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ શહેર જીલ્લામાંથી ગુંડાગીરી નાબુદ કરવા માટે એક પછી એક કડક પગલા લઈ રહી છે. તાજેતરમાં જૂનાગઢ શહેરમાં બુટલેગર ધીરેન કારીયા ગેંગ ઉપરાંત બંગલા ગેંગ સામે પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢ પોલીસની કડક કાર્યવાહીથી અસામાજીક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


