સાસણનાં નેશ વિસ્તારમાંથી ગાંજાનાં છોડનું વાવેતર કરનાર પશુપાલક પકડાયો
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.પ
જૂનાગઢ જિલ્લામાં નશીલા પદાર્થોની બદીને જડમૂળથી ડામવા પોલીસ સતત કાર્યરત છે.ત્યારે જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયા તેમજ એસપી સુબોધ ઓડેદરાની સૂચના થી એસઓજી દ્વારા એનડીપીએસ હેઠળના ગુનાઓ શોધવા પોલીસે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. એસઓજી પીઆઈ આર.કે. પરમાર અને તેમની ટીમને સાસણ વિસ્તારના એક નેશમાંથી ગાંજાના વાવેતર અંગે મહત્વની સફળતા મળી છે. અને એસઓજી પોલીસે ૩ કિલો ૩૬૦ ગ્રામ વજનના ગાંજાના લીલો છોડ જેની બજાર કિંમત ૧.૬૮ લાખના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો છે.
એસઓજીના એએસઆઈ કરશનભાઈ મોઢા અને મેણસીભાઇ અખેડને મળેલી બાતમીના આધારે મેંદરડા તાલુકાના હરીપુર-ભાલછેલ રોડ પર આવેલા લક્કડવેરા નેશમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી ૪૭ વર્ષીય બાપુમીયા ઈસ્માઈલમીયા બુખારી નામના ઇસમે પોતાના રહેણાંક મકાનના પાછળના ભાગે રસોડાની દીવાલને અડીને ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું. પોલીસે તપાસ કરતા ૩ કિલો ૩૬૦ કિલોગ્રામ વજનનો ગાંજાનો લીલો છોડ મળી આવ્યો હતો, જેની બજાર કિંમત ૧.૬૮ લાખ રૂપિયા આંકવામાં આવી છે. આરોપીના સોશિયલ મીડિયામાં હજારો ફોલોવર્સ છે અને આરોપી ગાંજો પીવાની ટેવ ધરાવતો હોવાથી આ બી વાવ્યું હોવાની કબૂલાત કરી છે. મેંદરડા પોલીસ મથકે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
જૂનાગઢ પોલીસે છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થો વિરુદ્ધ આક્રમક અભિગમ અપનાવ્યો છે. અગાઉ પણ એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચે અનેક દરોડા પાડીને ચરસ, ગાંજો અને સિન્થેટિક ડ્રગ્સ જેવા કરોડો રૂપિયાના નશીલા પદાર્થોનો જથ્થો ઝડપી પાડ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોથી લઈને જંગલના અંતરિયાળ નેશ સુધી પોલીસનું નેટવર્ક મજબૂત બન્યું છે, જેના કારણે ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.અગાઉના કેસોમાં પોલીસે કરોડોના મુદ્દામાલ સાથે આંતરરાજ્ય ગેંગના સાગરીતોને પણ જેલના સળિયા પાછળ ધકેલ્યા છે.
આ કામગીરીમાં પીઆઈ આર.કે. પરમાર, પીએસઆઈ ડી.કે. સરવૈયા, કરશનભાઈ મોઢા, જીતેન્દ્રસિંહ ચૌહાણ, મેણસીભાઇ અખેડ અને વિશાલભાઇ ઓડેદરા સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસે યુવાનોને અપીલ કરી છે કે ડ્રગ્સથી દૂર રહેવું, કારણ કે તે માત્ર વ્યક્તિને જ નહીં પણ આખા પરિવારને બરબાદ કરે છે.


