જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓની હડતાલને પગલે

શહેરની દર્દનાક હાલતનો ચિતાર રજુ કરી તત્કાલ કાર્યવાહી કરવા માટે નેતાઓને આડેહાથ લેતા આખરે નેતાઓ જાગ્યા

જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓની હડતાલને પગલે

જૂનાગઢ તા.૧૬
જૂનાગઢ શહેરમાં મનપાના સફાઈ કર્મચારીઓની વિવિધ માંગણીઓ સબબ અચોક્કસ મુદ્દતની હડતાલના મંડાણ થયા હતા અને એક પછી એક દિવસો પસાર થઈ રહ્યા હતા. પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો. બીજી તરફ સફાઈ કર્મચારીઓએ પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે આંદોલનનું રણશીંગુ ફુંકયું હતું. દરેક નાગરીકને લોકશાહી દેશમાં પોતાના પ્રશ્નો અંગે રજુઆત કરવાનો, આંદોલન કરવાનો હક્ક છે અને તે આ હક્કની રૂએ સફાઈ કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરી અને આંદોલન કર્યું હતું. તે યોગ્ય અને બરાબર હતું. છેલ્લા પાંચ-છ દિવસથી સફાઈ કર્મચારીઓની હડતાલને પગલે આ શહેરની હાલત નર્કાગાર સમી બની ગઈ હતી. જૂનાગઢ ભાજપના મનપાના શાસકો, પદાધિકારીઓ, ધારાસભ્ય, સંસદસભ્યકે શહેરના જાગૃત નાગરીકો અને કહેવાતા નિવેદનીયા નેતાઓ કે આગેવાનો સફાઈ કર્મચારીઓના પ્રશ્ને કોઈ યોગ્ય સહકાર આપતા ન હતા. એટલું જ નહીં તેની છાવણીની મુલાકાત પણ લેતા ન હતા અને તેઓની સાથે કરવામાં આવેલી વાટાઘાટોમાં પણ એક જ બાબત દોહરાવવામાં આવતી હતી કે, નિતી વિષયક નિર્ણયો લેવાની સત્તા સરકારને છે, અમારી પાસે નથી. અને આ રીતે વાટાઘાટો પડી ભાંગતી હતી. એક તરફ સફાઈ કર્મચારીઓની હડતાલ અને બીજી તરફ શહેરની દુર્દશતા આ પણ દેખી જાય તેવી નહોતી પરંતુ સામાન્ય નાનામાં નાનો માણસ હોય કે કોઈ પ્રજાજન કે કર્મચારી તેઓના પ્રશ્ને સૌરાષ્ટ્રભૂમિ દૈનિક દ્વારા અવાર-નવાર અસરકારક રીતે અને સત્યની બાબતને કાયમને માટે ઉજાગર કરતું રહ્યું છે અને આ દૈનિક પત્ર દ્વારા આ વખતે પણ સફાઈ કર્મચારીઓના તેઓના વિવિધ પ્રશ્નો અંગેની હડતાલમાં પણ સહયોગ આપ્યો હતો. એટલું જ નહીં પ્રજાજનોની હાલની જે હાલત હતી તેની વ્યથાને પણ સચોટ રીતે રજુ કરવામાં સૌરાષ્ટ્રભૂમિ દૈનિક દ્વારા પાછીપાની કરવામાં આવી નથી અને યોગ્ય રીતે બેલેન્સ કરી અને અહેવાલો પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા. દરમ્યાન ગઈકાલે સૌરાષ્ટ્રભૂમિ દૈનિક દ્વારા વધુ એક અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. 
જેમાં પહેલા ખાડાગઢ અને હવે બન્યું જૂનાગઢ કચરાગઢ... એ અહેવાલમાં નગરજનોની વ્યથાને સચોટપણે રજુ કરવામાં આવી હતી. તો આ સાથે જ કહેવાતા નેતાઓનો પણ કાન આમળ્યો હતો. અને સફાઈ કર્મચારીઓનો પ્રશ્ન તત્કાલ હલ કરવાની માંગણી પણ કરવામાં આવી હતી. અને આ સાથે જ લોકોએ મત આપી, ફરજ બજાવી અને હવે પ્રજાના પ્રતિનિધીઓ તમે કચરો સાફ કરી ફરજ બજાવો. તે મથાળા હેઠળ અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો. આ બન્ને અહેવાલોનો જાેરદાર પડઘો પડયો હતો. જૂનાગઢ મનપાના ભાજપના શાસકો, પ્રજાના સેવકો, ધારાસભ્ય, સંસદસભ્ય, ભાજપના પદાધિકારીઓ સર્વે કોઈ સફાળા જાગી ઉઠયા હતા અને તાત્કાલીક અસરથી સફાઈ કર્મચારીઓના આગેવાનો સાથે એક મહત્વની બેઠક બોલાવી હતી અને મોડી સાંજે યોજાયેલી આ બેઠકમાં આખરે સફાઈ કર્મચારીઓના પ્રશ્ને સરકારમાં રજુઆત કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી નેતાઓએ આપેલી ખાત્રી બાદ સફાઈ કર્મચારીઓની હડતાલનો અંત આવ્યો હતો. સૌરાષ્ટ્રભૂમિ દૈનિક પત્ર દ્વારા સચોટતાથી અને નિર્ભય રીતે જે અહેવાલો પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા તેની પણ સામાન્ય માણસથી લઈ પદાધિકારીઓ, પ્રજાના સેવકો વગેરે પણ ગંભીર નોંધ લીધી હતી એટલું જ નહીં સૌરાષ્ટ્રભૂમિના તંત્રી અભિજીત ઉપાધ્યાયને પણ એક અખબારના માધ્યમથી લોકોના પ્રશ્નોને વાચા આપવાની જે સુંદર મજાની કામગીરી કરવામાં આવી રહી છે તેમજ સફાઈ કર્મચારીઓને કોઈ અન્યાય ન થાય તે રીતના રીપોર્ટીંગ કરવામાં આવી રહ્યું હોય, તેની નોંધ લઈ એક તટસ્થ અખબારના તંત્રી તરીકે અભીજીત ઉપાધ્યાયે જે દાયીત્ય દર્શાવ્યું તે બદલ અભીનંદનની વર્ષા પણ કરવામાં આવી રહી છે.