અમેરીકામાં શટડાઉન : ટ્રમ્પ સંસદમાં ફંડિંગ બીલ પાસ કરાવી શકયા નહીં
સરકારી કામગીરી ઠપ્પ : ૯ લાખ સરકારી કર્મચારીઓને રજા પર જવાની ફરજ પાડવાનું જાેખમ
વોશિંગ્ટન તા.૦૧
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સેનેટ દ્વારા ફંડિંગ બિલ પાસ કરાવવામાં નિષ્ફળ ગયા છે. ગત મોડીરાત્રે બિલ પર મતદાન થયું હતુ. બિલના સમર્થનમાં ૫૫ અને વિરોધમાં ૪૫ મત પડ્યા
બિલ પસાર થવા માટે ૬૦ મતની જરૂર હતી, જેના માટે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના વિપક્ષ ડેમોક્રેટ્સનું સમર્થન જરૂરી હતું, જોકે ડેમોક્રેટ્સે બિલની વિરુદ્ધમાં મતદાન કર્યું.
૧૦૦ સભ્યની સેનેટમાં ૫૩ રિપબ્લિકન, ૪૭ ડેમોક્રેટ્સ અને બે અપક્ષ સભ્ય છે. ભંડોળ બિલ પસાર કરવા માટે ૬૦ મતની બહુમતી જરૂરી છે.
બિલ પાસ ન થવાથી આજે ભારતીય સમય મુજબ સવારે ૯:૩૦ વાગ્યે અમેરિકામાં શટડાઉન શરૂ થઈ ગયું છે. આનાથી સરકારી કામગીરી ઠપ થઈ જશે. ૯૦૦,૦૦૦ કર્મચારીને રજા પર જવાની ફરજ પડવાનું જોખમ વધી ગયું છે. ટ્રમ્પે સરકારી કર્મચારીઓને કાઢી મૂકવાની ધમકી આપી છે.


