ઈન્ડીયન કોસ્ટગાર્ડનું શકિતશાળી જહાજ 'ICGS અચલ' વાડીનાર બેઝ પોર્ટ પર પહોંચ્યુ
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.24
ભારતીય સેનામાં તાજેતરમાં સામેલ કરવામાં આવેલું નવું ફાસ્ટ પેટ્રોલ વેસલ 'ICGS અચલ' સોમવારે ખંભાળિયા તાલુકાના વાડીનાર બેઝ પોર્ટ ખાતે આવી પહોંચ્યું હતું. આ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ અવસરે જહાજનું પરંપરાગત અને ભવ્ય સ્વાગત કરાયું હતું. સ્વાગત સમારોહમાં કોસ્ટ ગાર્ડના ઉચ્ચ અધિકારીઓ, જવાનો અને સ્થાનીય મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. 51 મીટર લાંબુ અને અત્યાધુનિક નેવીગેશન, કોમ્યુનીકેશન અને સર્વેલન્સ સીસ્ટમથી સજજ આઈ.સી.જી.એસ. અચલ દરિયામાં કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઝડપી, લાંબા સમય સુધી અને ચોકકસ મિશન આધારિત કામગીરી કરવા સક્ષમ છે. વ્યુહાત્મક દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ ગણાતા દરિયાઈ વિસ્તારમાં આ વેસલની કાયમી ધોરણે તૈનાતીથી કોસ્ટલ સીકયોરીટીમાં વધારો થતા રાજયના દરિયાકાંઠે કોસ્ટગાર્ડની સતત દેખરેખ ક્ષમતામાં વધારો થશે તેમજ સમુદ્રમાં ઊભી થતી કોઈપણ કટોકટીની સ્થિતિમાં ત્વરિત પ્રતિભાવ આપી શકાશે. આ સાથે દરિયાઈ સરહદોનું રક્ષણ, માછીમારોની સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોનું સંવર્ધન પણ વધુ અસરકારક રીતે થઈ શકશે.


