ફિલીપાઈન્સમાં ૬.૯ની તિવ્રતાનો ભૂકંપ :૬૦ના મોત

ફિલીપાઈન્સમાં ૬.૯ની તિવ્રતાનો ભૂકંપ :૬૦ના મોત

(એજન્સી)          મનીલા, તા.૧:
ગતરાત્રે મધ્ય ફિલિપાઇન્સના ટાપુઓને ધ્રુજાવનારા શક્તિશાળી ભૂકંપના કારણે ભારે વિનાશ સર્જાયો 
છે. ભૂકંપમાં મૃત્યુઆંક ૬૦ પર પહોંચી ગયો છે, અને મૃત્યુઆંક વધવાની ભીતિ છે. બુધવારે મધ્યાહન સુધીમાં ૬૦૦થી વધુ આફ્ટરશોક્સ નોંધાયા છે, જેના કારણે બચાવ અને રાહત કાર્યમાં મુશ્કેલીઓ આવી રહી છે. ભૂકંપની તીવ્રતા શરૂઆતમાં ૬.૭ આંકવામાં આવી હતી, પરંતુ ભૂકંપશાસ્ત્રીઓએ હવે તેને વધારીને ૬.૯ મેગ્નિટ્યુડ કરી છે.
સિનિયર અધિકારીઓના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિ અત્યંત ગંભીર છે અને ૧૧૯ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઉત્તરી સેબુનું બોગો શહેર સૌથી વધુ પ્રભાવિત થયું છે, જ્યાં ભૂકંપની તીવ્રતા ૭ મેગ્નિટ્યુડ સુધી નોંધાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું છે કે, હાલમાં ‘ગોલ્ડન અવર‘ (બચાવ માટેનો નિર્ણાયક ૨૪-કલાકનો સમયગાળો) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
ભૂકંપના કારણે સેબુમાં એક મોલનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો, જ્યારે મેકડોનાલ્ડ્સ સ્ટોરને પણ નુકસાન થયું હતું.
અનેક ઐતિહાસિક ચર્ચોને નુકસાન થયું હોવાના અહેવાલો છે.
આફ્ટરશોક્સની શ્રેણીને કારણે હોસ્પિટલ સ્ટાફને દર્દીઓની સારવાર ખુલ્લા વિસ્તારોમાં કરવી પડી રહી છે. બોગોની એક હોસ્પિટલ ‘ઓવરવેલ્મ્ડ‘ થઈ ગઈ હોવાના અહેવાલો છે.
ગત રાત્રે ફિલીપાઈન્સની ધરા જોરદાર ધણધણી ઉઠી હતી. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૯ મેગ્નીટયુડ નોંધાઈ હતી. ભૂકંપ એટલો 
જોરદાર હતો કે ૬૦થી વધુ લોકોના મોત થયા છે. આ આંકડો વધી શકે છે. સેંકડોની સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ગત રાત્રે લગભગ ૧૦ વાગ્યે કેબુ શહેરના તટો પર ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા હતા જેથી અનેક ઈમારતો ધરાશાયી થઈ હતી. ભૂકંપને પગલે ઈમારતોની દીવાલો જમીન દોસ્ત થઈ ગઈ હતી અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ભૂકંપને લઈને સુનામીની ચેતવણી જાહેર કરાઈ છે.