ઉપલા દાતાર ખાતે ૮૦માં સ્વાતંત્ર પર્વની ધ્વજવંદન કરી ઉજવણી કરતા મહંતશ્રી ભીમ બાપુ
જૂનાગઢ તા. ૧પ
કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધામિર્ક જગ્યા ખાતે આજરોજ દેશના ૮૦માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જગ્યાના મહંત શ્રી ભીમ બાપુની ઉપસ્થિતિમાં તિરંગાને લહેરાવી ધ્વજવંદનનો સુંદર મજાનો કાર્યક્રમ આજે વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડી વરસાદી વાતાવરણ વચ્ચે દાતારની ટેકરી ઉપર સંપન્ન થયો હતો. આ પ્રસંગે ઉપલા દાતારના સેવક સમુદાય અને નીચેથી આવેલા વિદ્યાર્થીઓએ સુંદર મજાના ધ્વજવંદનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો ગિરનાર પર્વતના જોડીયા ભાઇ સમાં ઉપલા દાતારની ટોચ ઉપર (લગભગ ૩૨૦૦ ફૂટ ઊંચાઈ) ઉપર દેશભક્તિપૂર્ણ માહોલમાં ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ માં દાતાર આશ્રમના મહંત શ્રી ભીમ બાપુના કરકમળો દ્વારા ધ્વજારોહણ કરીને સંપન્ન થયો હતો. આ સાથે ગિરનાર સ્પોટર્સ એકેડેમી, જૂનાગઢના કોચ સાગર કટારિયા તથા તેમની એકેડેમીના વિદ્યાર્થીઓ દ્વારા પણ ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. ૩૨૦૦ ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવી દેશપ્રેમનો સંદેશો આપવામાં આવ્યો હતો. સમગ્ર વાતાવરણ “વંદે માતરમ” અને “ભારત માતા કી જય”ના નાદથી ગુંજી ઉઠયું હતું. આ પ્રસંગે મહંત શ્રી ભીમ બાપુએ દેશની એકતા અને અખંડિતતા માટે યુવાનોને આગળ આવવાની અપીલ કરી હતી. તેમજ કોચ સાગર કટારિયાએ જણાવ્યું હતું કે રમતગમત સાથે સાથે દેશપ્રેમની ભાવના વિકસે તે માટે આ પ્રકારના કાર્યક્રમો મહત્વપૂર્ણ છે. આ કાર્યક્રમમાં ગિરનાર સ્પોટર્સ એકેડેમીના તમામ વિદ્યાર્થીઓ હાજર રહી સવાતંત્ર પર્વની ગૌરવપૂર્વક ઉજવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈ વિદ્યાર્થી મિત્રોને દાતારની જગ્યા તરફથી સરસ મજાનો પ્રસાદ ગરમાગરમ ડ્રાયફ્રુટ વાળો શીરો પીરસાયો હતો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.


