કતારના ગેસ પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ : 54 ઈજાગ્રસ્ત, 18 લાપતા
કતાર, તા. 22
કતારના મુખ્ય લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) પ્રોસેસિંગ હબ ‘રાસ લફાન ઇન્ડસ્ટ્રિયલ સિટી‘માં ગત રવિવારે સાંજે એક પ્રચંડ મોટો વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટ ‘બારઝાન‘ નામના સ્થાનિક ગેસ સપ્લાય પ્લાન્ટમાં ઓપરેશન શરૂ કરતી વખતે થયો હતો.
વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેનાં કારણે આકાશમાં આગનો મોટો ગોળો અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યાં હતાં, અને તેનો અવાજ છેક દોહા સુધી સંભળાયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 54 લોકો ઘાયલ થયાં હોવાનાં અહેવાલ છે, જ્યારે અન્ય 18 લોકો હજુ પણ ગુમ છે.
ઘટનાની જાણ થતાં જ ઇમરજન્સી ટીમો અને સિવિલ ડિફેન્સના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતાં. કતારની ઇન્ટરનેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ ગ્રુપની ટીમ દ્વારા ગુમ થયેલાં લોકોને શોધવા માટે આખી રાત મોટા પાયે બચાવ કામગીરી ચલાવવામાં આવી હતી.


