તમિલનાડુમાં રાષ્ટ્રપતિ શાસનના ભણકારા : બહુમતી માટે પેચ ફસાયો : રાજકીય ધમાસાણ
ચેન્નઈ:08
તામિલનાડુમાં સરકાર રચવા મુદે ત્રિશંકુ-વિધાનસભાથી સર્જાયેલા સસ્પેન્સમાં હવે રાજયના બે પરાજીત હરીફ ડીએમકે તથા અન્નાડીએમકે લગભગ અડધી સદી બાદ ફરી એક વખત હાથ મિલાવી સરકાર રચવા પ્રયાસ કરશે તેવા સંકેતો મળતા જ સૌથી વધુ 108 બેઠકો ધરાવનાર ટીવીકે પક્ષ ભડકયો છે.
રાજયપાલે બે બે વખત અભિનેતા વિજયને સરકાર રચવા પહેલા 118 સભ્યોની બહુમતી દર્શાવવા જણાવી કોઈ શપથવિધિ માટે કોઈ આમંત્રણ આપવા ઈન્કાર કર્યો છે અને છેલ્લા 24 કલાકના પ્રયાસો છતા ટીવીકે 113 સભ્યોથી આગળ વધી શકી નથી.
તે વચ્ચે 50 વર્ષથી એક બીજા સાથે લડી રહેલા ડીએમકે તથા અન્નાડીએમકે સરકાર રચવા સાથે આવે તેવા સંકેત છે. જો કે આ બન્ને સાથે આવે તો પણ 106 સભ્યોને ટેકો થશે અને તેને પણ 118 એ પહોંચવા કોંગ્રેસ સહિતના ટેકાની જરૂર પડશે.
રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ 1993માં જે રીતે ઉતરપ્રદેશમાં બે કટ્ટર હરીફ સમાજવાદી પક્ષ તથા બહુજન સમાજ પક્ષે હાથ મિલાવીને ભાજપના વિજય રથને રોકવા પ્રયાસ કર્યો તે રીતે વિજયના વિજય રથને રોકવા આ બન્ને કટ્ટર પક્ષો તથા અન્ય દ્રવિડીયન પાર્ટીઓ સાથે આવી શકે છે.
જાેકે, ડીએમકે વડા એમ.કે.સ્ટાલીને આ અંગે હજુ કોઈ સંકેત આપ્યા નથી. અન્નાડીએમકેના મહાસચીવ એ.કે.પલાનીસ્વામીએ તેમની સરકાર રચાશે તેવો દાવો કરતા આ ચર્ચા શરૂ થઈ છે. બીજી તરફ ટીવીકેએ ધમકી આપી છે કે સૌથી મોટા પક્ષ હોવા છતા તેઓને સરકાર રચવા દેવાશે નહી અને ટીવીકે અન્નાડીએમકેને સરકાર રચવા આમંત્રણ અપાશે તો અમારા તમામ 108 ચુંટાયેલા સભ્યો વિધાનસભામાંથી રાજીનામા આપી દેશે.


