મધ્યપૂર્વમાં ફરી એકવાર અમેરીકા-ઈરાન યુધ્ધ ભડકયું
અમેરીકાએ સીઝફાયર છતાં ઈરાન પર હવાઈ હુમલો કર્યો : ૮૦ થી વધુ ઠેકાણાઓ ટાર્ગેટ કર્યા : ઈરાને વળતા જડબાતોડ હુમલાની ધમકી આપી
તહેરાન/વોશિંગ્ટન,તા.૦૮:
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ફરી એકવાર યુદ્ધની ચિનગારી ભડકી ઉઠી છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે એક સત્તાવાર નિવેદન જારી કરીને પુષ્ટિ આપી છે કે યુએસ સેનાએ ઈરાની લશ્કરી ઠેકાણાઓ પર વિનાશક હુમલા કર્યા છે. યુએસ સેનાએ ૮૦ ઈરાની ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. યુએસનું કહેવું છે કે આ કાર્યવાહી ઈરાન દ્વારા આંતરરાષ્ટ્રીય જળમાર્ગોમાં નિર્દોષ નાગરિકોને લઈ જતા વાણિજ્યિક જહાજો અને તેલ ટેન્કરોને નિશાન બનાવવાના જવાબમાં કરવામાં આવી રહી છે. યુએસએ કહ્યું કે ઈરાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં ત્રણ ટેન્કરોને નિશાન બનાવીને હુમલો કર્યો છે, જેનાથી ફરી એકવાર તણાવ વધ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સે ઈરાનના આક્રમણને બિનજરૂરી અને ખતરનાક ગણાવ્યું છે, તેને ગયા મહિનાના દ્વિપક્ષીય યુદ્ધવિરામનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું છે.ઈરાન પર અમેરિકાના નવેસરથી લશ્કરી હુમલા બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર તાજેતરના હુમલાઓ બાદ, અમેરિકાએ ઈરાનના અનેક લક્ષ્યો પર બોમ્બમારો કર્યો છે. અમેરિકાએ ઈરાની તેલ પર અગાઉ આપવામાં આવેલી છૂટ રદ કરીને ફરીથી કડક પ્રતિબંધો લાદ્યા છે. આ નવીનતમ ઘટનાક્રમથી ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાની શક્યતાઓ પર પાણી ફરી વળ્યું છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી તણાવ વધી રહ્યો છે ત્યારે બહેરીનના ખાડી રાષ્ટ્રે દેશભરમાં ચેતવણીના સાયરન વગાડ્યા છે અને રહેવાસીઓને સ્થળાંતર કરવાની વિનંતી કરી છે. વધુમાં, બહેરીનના ગૃહ મંત્રાલયે એક તાત્કાલિક અને સત્તાવાર સુરક્ષા સલાહકાર જારી કર્યો છે, જેમાં જનતાને શાંત રહેવા અને ફક્ત સત્તાવાર સરકારી ચેનલો દ્વારા નિયમિત અપડેટ્સનું પાલન કરવાની વિનંતી કરવામાં આવી છે.


