રાજકોટમાં ૩૧૯ વિસ્થાપિતોને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા
આપ સૌના ઘરમાં આજે દિવાળીના દીપ પ્રગટાવવાનું કાર્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મક્કમ ર્નિણય અને સી.એ.એ.ના અમલીકરણથી થયું : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
રાજકોટ તા.૧૬
પાકિસ્તાનમાં વર્ષો સુધી યાતના અને પીડા વેઠીને, જીવ બચાવીને ગુજરાતમાં આશ્રય લેનાર પરિવારોને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરી સુરક્ષાનું આશ્વાસન આપતા યુવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, "મુસ્કુરાઈએ આજ સે આપ સબ ભારત કે નાગરિક હૈ.."આપ સૌના ઘરમાં આજે દિવાળીના દીપ પ્રગટાવવાનું કાર્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મક્કમ ર્નિણય અને સી.એ.એ.ના અમલીકરણથી થયું છે, ત્યારે રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં ભાવનાત્મક દ્રશ્યોનો હર્ષ છવાયો અનેક લોકોની આંખો ભીની થઈ ગઈ તો અનેક ગળગળા થઈ ગયા હતા. રાજકોટમાં પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે અહીં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ તકે નાયબ મુખ્યમંત્રીએ ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરનાર ૩૧૯ પરિવારો માટે આજે પાંચમા નોરતાનો દિવસ દિવાળીના ઉત્સવ સમાન ગણાવ્યો હતો. આ સાથે તેમણે કહ્યું હતું કે, આપ સૌના ઘરમાં આજે દિવાળીના દીપ પ્રગટાવવાનું કાર્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મક્કમ ર્નિણય અને સી.એ.એ.ના અમલીકરણથી થયું છે. પાકિસ્તાનમાંથી વિસ્થાપિત પરિવારોની વ્યથા અને યાતનાના કિસ્સાઓનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો. આ સાથે તેમણે કહ્યું હતું કે, આ પરિવારો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે નવું જીવન મળ્યું હતું અને આજે ભારતીય નાગરિકતા પ્રમાણપત્રથી આ પરિવારોને તંદુરસ્ત નવું જીવન પ્રાપ્ત થયું છે. આ સાથે કહ્યું હતું કે, મા હિંગળાજે આશીર્વાદ આપીને તમને મા અંબા પાસે મોકલ્યા છે. પાકિસ્તાનના થરપારકરમાં મહિલાઓ ઘરની બહાર પણ નીકળી શકતી નથી. ત્યારે ત્યાંથી સ્થળાંતરિત થયેલાં મોરબીનાં કવિતાબેન સહિતનાં બહેનો માટે આજના દિવસને નાયબ મુખ્યમંત્રીએ આઝાદીનો દિવસ ગણાવ્યો હતો. પાકિસ્તાનના હૈદરાબાદના રાણીબાગમાં ગોળીબાર વખતે જીવ બચાવવા હિન્દુ લોકોએ નામ બદલવા પડ્યા હતા. હવે આ ભારતીય નાગરિકો આજીવન વટભેર પોતાના સાચા નામ સાથે આ દેશમાં જીવી શકશે એવું પણ તેમણે જણાવ્યું હતું. પાકિસ્તાનના પાસપોર્ટ કરતાં રાજકોટના ગરબાના પાસનું મૂલ્ય વધુ હોવાનો કટાક્ષ પણ તેમણે કર્યો હતો. રાજકોટમાં ગતરાત્રે થયેલી સોનાની લૂંટ અને હત્યા કેસના આરોપીઓને અલગ અલગ દિશાઓમાંથી ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે પકડી લેવાની રાજકોટ શહેર પોલીસ કમિશનર, શહેર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ તેમજ અન્ય જિલ્લાની પોલીસનો આભાર પણ નાયબ મુખ્યમંત્રીએ આ તકે વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે કહ્યું હતું કે, આરોપીઓને ૨૪ કલાકમાં પકડી લેવાના સંકલ્પ સાથે રાજકોટ પોલીસ તથા અન્ય જિલ્લાની પોલીસની ૫૦ જેટલી ટીમોએ રાતદિવસ કામ કર્યું છે. રાજકોટ પોલીસે ખડેપગે કામ કરીને નાગરિકોના ગરબાના આયોજનને પણ આંચ ન આવવા દીધી અને આરોપીઓને પણ પકડી લીધા. આ વિશેષ સફળતા બદલ તેમણે પોલીસને ખાસ બિરદાવી હતી. ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર તમામ લોકોને તેમણે અભિનંદન પાઠવીને તેમના બાળકોના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પણ પાઠવી હતી. નાયબ મુખ્યમંત્રીના હસ્તે આજે રાજકોટ જિલ્લાના ૨૫૯, મોરબી જિલ્લાના ૫૩, કચ્છના ૦૬ તથા સુરેન્દ્રનગર જિલ્લાના ૦૧ મળીને ૩૧૯ વિસ્થાપિતોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાતની દીકરીઓને સુરક્ષા પૂરી પાડવા બદલ આભારની લાગણી પ્રગટ કરતાં એક કિશોરીએ નાયબ મુખ્યમંત્રીશ્રીના ભાલે કુમકુમ તિલક કરીને હાથમાં રાખડી બાંધી હતી. આ અવસરે સાંસદ પરશોત્તમભાઈ રૂપાલાએ સી.એ.એ.(ધ સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ)ને કેન્દ્ર સરકારનો માનવતાવાદી અભિગમ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ કાયદો કોઈની નાગરિકતા રદ કરવા માટે નહીં, પરંતુ વર્ષો પહેલાં વતનની વાટે આવ્યા બાદ નિરાધાર બની ગયેલા લોકોને પોતાના જ દેશમાં સન્માનભેર સમાવી લેવા માટેનો માનવતાપૂર્ણ કાયદો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જે લોકો ભૂતકાળમાં પડોશી દેશમાં અસહ્ય પીડા અને મુશ્કેલીઓ વેઠીને આપણા દેશમાં આવ્યા હતા, તે શરણાર્થીઓના જીવનમાં ભારતીય નાગરિકતા કાયદો ઉજાસ લઈને આવ્યો છે. આ માનવતાવાદી પહેલ બદલ તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને અભિનંદન પાઠવ્યા હતા. સેન્સસ ઓપરેશન્સના ડિરેક્ટર સુજલ મયાત્રાએ શાબ્દિક સ્વાગતમાં કહ્યું હતું કે, સી.એ.એ. હેઠળ ગુજરાતમાં ૧૫૦૦થી વધુ લોકોને નાગરિકતા આપવામાં આવી છે. આજે ભારતીય નાગરિકતા મેળવનારા ૩૦૦થી વધુ લોકો માટે નવરાત્રી પર્વ મહત્વપૂર્ણ સાબિત થયું છે. નવી આશા, નવી ઓળખ અને નવી નાગરિકતા સાથે આ લોકો વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બનશે અને ‘સૌના સાથ, સૌના વિકાસ‘ના મંત્ર સાથે આગળ વધશે. કાર્યક્રમના અંતે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે આભારવિધિ કરી હતી. આ અવસરે નાગરિકતા પ્રાપ્ત કરનારા લાભાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર માન્યો હતો. આ સાથે તેઓએ ગર્વભેર કહ્યું હતું કે, આજથી અમે ભારતીય નાગરિકો છીએ. પોતાના વર્ષોના સંઘર્ષનો આજે અંત આવ્યો હોવાનું પણ તેઓએ પ્રતિભાવમાં જણાવ્યું હતું.


