વિજાપુર જવાનાં રસ્તા ઉપર આવેલ વાડીમાં છુપાવેલ રૂા. ૪ લાખના વિદેશી દારૂ સાથે બે ઝડપાયા
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા. ર૩
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે પાતાપુરની એક વાડીમાં ચાલતા વિદેશી દારૂના નેટવર્ક પર સફળ દરોડો પાડીને રૂા. ૪ લાખની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો છે. આ દરોડા દરમ્યાન વાડીમાં છુપાવી રાખેલી ૧૩૯૦ નંગ વિદેશી દારૂની બોટલો પોલીસે જપ્ત કરી છે અને સ્થળ પરથી બે શખ્સોની ધરપકડ કરી છે. જાેકે, અન્ય ત્રણ શખ્સો ફરાર હોવાથી પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કૃણાલ એમ. પટેલ અને તેમની ટીમના માણસો પેટ્રોલિંગમાં હતાં. ત્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.કે. ગઢવી તથા હેડ કોન્સ્ટેબલ વજરાજસિંહ ચુડાસમા સહિતના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી.
આ બાતમીના આધારે જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામની આથમણી સીમ વિસ્તારમાં આવેલી હરેશ લખમણભાઈ ભાદરકાની વાડીમાં આવેલા રહેણાંક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, ત્યાં ગાંધીગ્રામ વિસ્તારના ભરત હમીરભાઈ રાડાએ ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવ્યો હતો.
પોલીસે આ સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ ૧૩૯૦ બોટલો કબ્જે કરી છે, જેની અંદાજિત કિંમત ૪,૦૫,૯૭૭ રૂપિયા થાય છે. દારૂના જથ્થા ઉપરાંત પોલીસે બે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે, જેની કિંમત ૨૦,૦૦૦ રૂપિયા આંકવામાં આવી છે. આમ, ક્રાઇમ બ્રાન્ચે કુલ ૪,૨૫,૯૭૭ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ દરોડા દરમ્યાન પોલીસે ઘટના સ્થળેથી બે આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં પાતાપુર ગામના ૪૩ વર્ષીય ખેડૂત હરેશભાઈ લખમણભાઈ ભાદરકા અને જૂનાગઢ ગાંધીગ્રામના ૪૫ વર્ષીય ભરતભાઈ હમીરભાઈ રાડાનો સમાવેશ થાય છે. જાેકે, આ કેસમાં અન્ય ત્રણ શખ્સો હજુ પોલીસ પકડથી દૂર છે, જેમાં ગાંધીગ્રામનો મેરા ઉર્ફે બકરી પરબતભાઈ શામળા, મીરાનગરનો દેવા જેસાભાઈ પરમાર અને ગાંધીગ્રામનો નિકુલ ભરતભાઈ રાડા હાજર નહી મળતા તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.


