જૂનાગઢમાં કફ સિરપની પ૩ બોટલ સાથે શખ્સ ઝડપાયો
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૭
જૂનાગઢ એસઓજીની ટીમે મોડીરાત્રે બાતમીના આધારે કફ સિરપ સપ્લાય કરવા નીકળેલ શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે. જૂનાગઢ પોલીસને એવી બાતમી મળી હતી કે ચુનારાવાસમાં રહેતો એસાન નામનો યુવાન એક્ટિવા પર નશીલી સિરપનો જથ્થો લોડ કરીને મજેવડી દરવાજાથી ખામધ્રોળ ફાટક તરફ ગ્રાહકોને માલ આપવા જવાનો છે. આ માહિતીના આધારે પોલીસે ગેબનશા પીરની દરગાહ પાસે વ્યુહાત્મક રીતે છટકું ગોઠવ્યું હતું. રાત્રિના સમયે જ્યારે રસ્તાઓ સૂમસામ હતા, ત્યારે બાતમી મુજબના શખ્સને અટકાવી તલાશી લેતા પોલીસને મોટી સફળતા મળી હતી.
આરોપીના એક્ટિવામાંથી પ્રતિબંધિત કોડીન ફોસ્ફેટ યુક્ત 'REXCRON-T' કફ સિરપની 100 mlની કુલ ૫૩ સીલબંધ બોટલો મળી આવી હતી. પોલીસે નશીલી સિરપની 53 બોટલો કિં.રૂા.8,183 હોન્ડા એક્ટિવા કિંમત કિં.રૂા.50,000, મોબાઈલ ફોન કિં.રૂા.10,000 મળી કુલ 68,183 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ મામલે જૂનાગઢ બી ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આ પ્રકારની દવાઓનું વેચાણ અને સંગ્રહ ગંભીર ગુનાની શ્રેણીમાં આવે છે.
પકડાયેલા આરોપી એસાનની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે નશીલી દવાઓનો આ જથ્થો તેને મોરબીના કેતન નામના શખ્સે પૂરો પાડ્યો હતો. આ ખુલાસા બાદ પોલીસની એક ટીમ મોરબીના સપ્લાયરને ઝડપી પાડવા રવાના થઈ છે. પોલીસને શંકા છે કે આ એક મોટા ડ્રગ રેકેટની કડી હોઈ શકે છે જે મોરબીથી સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં નશીલી દવાઓ સપ્લાય કરે છે. જૂનાગઢ પોલીસની આ કડક કાર્યવાહીથી નશીલા પદાર્થોના વેચાણ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરને નશામુક્ત બનાવવા અને યુવાનોના ભવિષ્યને બચાવવા માટે પોલીસે આગામી દિવસોમાં વધુ કડક તપાસના સંકેત આપ્યા છે.


