સોશિયલ મીડિયાના દૂરઉપયોગનો કિસ્સો જૂનાગઢમાં કોલેજીયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું : ચકચાર

ગેરકાયદે ગર્ભપાત કરાવનાર ૩ આરોપીને ઝડપી લેતી પોલીસ

સોશિયલ મીડિયાના દૂરઉપયોગનો કિસ્સો જૂનાગઢમાં કોલેજીયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું : ચકચાર

જૂનાગઢ તા.૨૨
આધુનિક યુગમાં સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે જૂનાગઢ શહેરના ‘બી‘ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા એક બનાવે ભારે ચકચાર મચાવી દીધી છે, એક કોલેજમાં ભણતી યુવતી સાથે વિશ્વાસઘાત કરી જઘન્ય અપરાધ કરવામાં આવ્યો હોવાનું બહાર આવેલ છે.
આ બનાવ અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેરના ‘બી‘ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બહારના જિલ્લામાંથી આવતી અને અહીં એક કોલેજમાં અભ્યાસ કરતી પી.જી.માં રહેતી એક યુવતી સાથે આ ઘટના બની છે. આ યુવતી અભ્યાસ બાદ અન્ય એક પ્રાઈવેટ મકાનમાં પોતાની બહેનપણી સાથે ભાડે રાખીને રહેતી હતી.
આ બનાવનો સમયગાળો એપ્રિલ ૨૦૨૬નો છે, જ્યાં સોશિયલ મીડિયામાં શરૂઆત ઇન્સ્ટાગ્રામ, ત્યારબાદ વોટ્સએપ અને સ્નેપચેટ મારફતે ફરાઝ ઉર્ફે ઇમ્તિયાઝ કાદરભાઈ સુમરા, જે તાલાળાના ચિત્રાવાડ ગામનો રહેવાસી છે, તે આ યુવતીના સંપર્કમાં આવ્યો હતો. આ યુવતી સાથે જ્યારે પ્રથમવાર આરોપીની મુલાકાત થઈ ત્યારે તેણે પોતે ગાડી લે વેચનો ધંધો કરતો હોવાનું અને પોતે અપરણિત હોવાનું જણાવ્યું હતું. તેણે આ યુવતી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી જિંદગીભર સાથે રહેવાનું વચન આપ્યું હતું. 
આરોપીએ આ યુવતીને લગ્નની લાલચ આપી તેના મિત્રની મદદથી કાળવા ચોક પાસે આવેલી હોટેલ પેરેમાઉન્ટમાં લઈ ગયો હતો અને ત્યાં યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ સમયગાળા દરમ્યાન તેના મિત્ર શોએબે તેને મદદ કરી હતી. આ પછી અવારનવાર યુવતીને અલગ-અલગ જગ્યાએ લઈ જવામાં આવતી. જ્યારે ભોગ બનનાર યુવતીએ આ બાબતે ના પાડી, ત્યારે આરોપીએ તેનો વોટ્સએપ અને મોબાઈલ ફોન તેની જાણ બહાર હેક કરી લીધેલ અને કોની સાથે વાતચીત કરે છે તે બાબતે ડરાવી-ધમકાવીને યુવતી સાથે અલગ-અલગ જગ્યાએ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.
યુવતીને જ્યારે પેડુના ભાગે દુખાવો થતા આરોપી સારવારના બહાને પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગયેલો. ત્યાં તેના મિત્ર અસ્પાકની મદદથી યુવતીની જાણ બહાર તેનું એબોર્શન એટલે કે ગર્ભપાત કરાવવામાં આવ્યું હતું.
દરમ્યાન ડીવાયએસપીહિતેષ ધાંધલિયાએ જણાવ્યું હતું કે, આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી હાલ ‘બી‘ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની કલમ ૬૪(૨)(એમ), ૬૯, ૩૪૯(૨), ૮૯ તથા આઈ.ટી. એક્ટની કલમ ૬૬ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ - ફરાઝ ઉર્ફે ઇમ્તિયાઝ કાદર સુમરા, શોએબ અને અસ્પાક - ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનાની આગળની તપાસ એસ.ઓ.જી. પી.આઈ.ને સોંપવામાં આવી છે અને આરોપીઓને રિમાન્ડ મેળવવા માટે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા એક દિવસનાં રિમાન્ડ મળ્યા છે અને વધુ તાપસ હાથ ધરાઈ છે.
ભોગ બનનાર યુવતીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ થોડા દિવસ પહેલાં જ ફરાઝ અજમેર ગયો હતો અને તારા માટે શું ગિફ્ટ લઈ આવું તે પૂછ્યું હતું, પરંતુ મેં ના પાડી તો તેણે કહ્યું કે હું મારી રીતે તારા માટે કાંઈક લેતો આવીશ અને પછી ફરાઝ અજમેરથી આવતો રહ્યો અને તેના ચારેક દિવસ બાદ ફરાઝ જૂનાગઢ આવ્યો અને મને પેકિંગ ગિફ્ટ આપી, જેથી મેં પૂછતાં જોઈ લેવાનું કહ્યું, જેથી હું રૂમમાં મૂકી આવી હતી. ત્યાર પછી ફરાઝએ કહ્યું હતું કે, હું તથા મારા ફ્રેન્ડ સાથે ફરવા જવું છે, જેથી અમે બંનેને લઈ જૂનાગઢથી દીવ જવા નીકળ્યા અને તાલાળાથી શોયેબને સાથે લીધો અને રાત્રિના દસેક વાગ્યે દીવ પહોંચ્યા હતા અને પછી ફરાઝએ ત્યાં એક હોટલમાં રૂમ રાખ્યો અને અમે ચારેય એક જ રૂમમાં સૂતા હતા અને બીજા દિવસે દરિયે ફર્યા અને ફોટા અને વીડિયો ફરાઝના મોબાઈલમાં ઉતાર્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે હાલ તો આ બનાવને અનુસંધાને ત્રણે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.