સાણંદથી સેમિકન્ડક્ટર યુગની શરૂઆત, PM મોદીએ CG સેમિ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
વર્ષે 20 કરોડ ચિપનું ઉત્પાદન શરૂ, 500 કરોડ ચિપ્સના લક્ષ્ય સાથે ભારત સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં આગળ
અમદાવાદ તા.4
ગુજરાતના સાણંદમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CG સેમિની આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું ઉદ્ઘાટન કરીને ચિપના વ્યાવસાયિક ઉત્પાદનનો પ્રારંભ કરાવ્યો. છેલ્લા પાંચ મહિનામાં ગુજરાતના ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટમાંથી ત્રણમાં ઉત્પાદન શરૂ થતાં રાજ્ય દેશના સેમિકન્ડક્ટર હબ તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે.
ઉદ્ઘાટન બાદ સંબોધનમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આ પ્લાન્ટમાંથી દર વર્ષે 20 કરોડ ચિપ્સનું ઉત્પાદન થશે, જ્યારે આગામી સમયમાં 500 કરોડ ચિપ્સના વાર્ષિક ઉત્પાદનનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે 20 વર્ષ પહેલાં ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ વિકસાવવાનું જે સપનું જોયું હતું, તે આજે સાકાર થયું છે.
વડાપ્રધાનએ કહ્યું કે પાંચ વર્ષ પહેલાં દેશને સેમિકન્ડક્ટર હબ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો અને આજે તે દિશામાં મહત્વપૂર્ણ સફળતા મળી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત હવે માત્ર ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં નહીં, પરંતુ સમગ્ર વિશ્વને શક્તિ આપતી ચિપ્સના ઉત્પાદનમાં પણ આત્મનિર્ભર બનશે.
તેમણે સાણંદને દેશના નવા સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ઓળખાવતાં કહ્યું કે અહીં અનેક નવી કંપનીઓ આવશે, જેના કારણે મોટા પ્રમાણમાં રોકાણ અને રોજગારીનું સર્જન થશે. તેમણે યુવાનોને AI અને નવી ટેક્નોલોજીની તકોનો લાભ લેવા આહ્વાન પણ કર્યું.
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અશ્વિની વિષ્ણવએ જણાવ્યું કે માત્ર 27 મહિનામાં પ્લાન્ટ તૈયાર થવો ગુજરાત સરકારની ઝડપી કામગીરીનો પુરાવો છે. તેમણે ઉમેર્યું કે દેશમાં મંજૂર થયેલી 12 સેમિકન્ડક્ટર ફેસિલિટીમાં હવે ત્રણમાં વ્યાવસાયિક ઉત્પાદન શરૂ થઈ ચૂક્યું છે.
આ ફેસિલિટી સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત થયા બાદ દર વર્ષે લગભગ 5 અબજ સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન કરી શકશે. અહીં તૈયાર થતી ચિપ્સનો ઉપયોગ ઓટોમોટિવ, ઇન્ડસ્ટ્રિયલ, ટેલિકોમ, 5G, IoT તેમજ AI અને હાઇ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગ જેવા ક્ષેત્રોમાં થશે.
CG સેમિ દ્વારા બીજા OSAT પ્લાન્ટનું નિર્માણ પણ ચાલી રહ્યું છે. બંને પ્લાન્ટ શરૂ થયા બાદ દરરોજ અંદાજે 1.5 કરોડ ચિપ્સનું ઉત્પાદન થશે. હાલ પ્લાન્ટમાં 300થી વધુ કર્મચારીઓ કાર્યરત છે અને આગામી પાંચ વર્ષમાં આશરે 5,000 સીધી અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


