સમગ્ર યુરોપમાં ભીષણ ગરમીનો પ્રકોપ : 1300ના મોત
પેરિસ,તા. 29
યુરોપનાં મોટાભાગનાં દેશો હાલમાં જીવલેણ હીટવેવનો સામનો કરી રહ્યાં છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યાં અનુસાર, 21 જૂનથી શરૂ થયેલી આ ભીષણ ગરમીનાં કારણે સમગ્ર યુરોપમાં અત્યાર સુધીમાં 1,300થી વધુ લોકોનાં મોત નોંધાયાં છે.
ગરમીનો આ પ્રકોપ હવે પૂર્વ તરફ વધી રહ્યો છે, જેનાં કારણે કરોડો લોકો અસહ્ય તાપમાનનો સામનો કરવા મજબૂર બન્યાં છે અને ઘણી જગ્યાએ આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે દબાણ હેઠળ આવી ગઈ છે.
ફ્રાન્સમાં આ ગરમીની સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક જોવા મળી રહી છે. ફ્રાન્સનાં આરોગ્ય અધિકારીઓનાં જણાવ્યાં અનુસાર, 24 જૂન બુધવારથી અત્યાર સુધીમાં જ સામાન્ય કરતાં 1,000થી વધુ લોકોનાં મોત ગરમીનાં કારણે થયાં છે. ફ્રાન્સના પબ્લિક હેલ્થ વિભાગે જણાવ્યું છે કે આ ગરમીમાં જીવ ગુમાવનારા લોકોમાં 85 ટકાથી વધુ લોકો ૬૫ વર્ષ કે તેથી વધુ ઉંમરનાં લોકો છે, જેનાં કારણે ફ્રાન્સ અને બ્રિટન સહિતનાં ઘણાં દેશોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


