સ્માર્ટ સીટી સુરત બન્યું ફલડ સીટી : મુખ્ય માર્ગો પર કેડ સમા પાણી : બોટ દ્વારા રેસ્કયુ ઓપરેશન : પલસાણામાં ૧૮ ઈંચ વરસાદ
(બ્યુરો) સુરત, તા.૮
સ્માર્ટ સીટી તેમજ ડાયમંડ સીટી તરીકે ઓળખ ધરાવતું સુરત ફલડ સીટી બની ગયું છે. મુખ્ય માર્ગો પર કેડસમા પાણી ભરાયા હતા. વાહનોને પણ પસાર થવાનું મુશ્કેલ થઇ ગયું હતું.
સુરતમાં જળબંબાકારની સ્થિતિમાં બોટ ચલાવીને ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. સમગ્ર શહેરમાં ચારેકોર પાણી હતું. શહેરમાંથી પસાર થતી પાંચમાંથી ચાર ખાડી ઓવરફ્લો થતાં સ્લમ વિસ્તારથી માંડીને પોશ વિસ્તારોમાં જળબંબાકારની હાલત થઇ હતી.
ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવની હાલત યથાવત રહી હોય તેમ જુદા-જુદા તાલુકાઓમાં ૧૮ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૫ તાલુકામાં વરસાદ હતો. આજે સવારે પણ વલસાડ સહિતના જિલ્લાઓમાં વરસાદી દોર જારી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના રીપોર્ટ પ્રમાણે સુરતના પલસાણામાં સૌથી વધુ ૧૮.૧૯ ઇંચ પાણી વરસ્યું હતું. કામરેજમાં ૧૭.૪ ઇંચ વરસાદ હતો. સુરત શહેરમાં ૧૪.૦૯ ઇંચ ખાબક્યો હતો. નવસારીમાં ૧૫.૨૮ ઇંચ, વલસાડના કપરાડામાં ૧૨.૬૮ ઇંચ, નવસારીના જલાલપોરમાં ૧૧.૦૨ ઇંચ વરસાદ હતો. તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ હતો.


