દૂહા-છંદ, હિપહોપ અને ડાકલા-ગરબાનું ફ્યૂઝન સહિતના રિધમ ઉપર થીરક્યાં નગરજનો
રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે તા.૧૮થી ૨૧ માર્ચ દરમિયાન સોમનાથના આંગણે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર પરિસર, વી.આઈ.પી પાર્કિંગ ખાતે કર્ટન રેઈઝર ઈવેન્ટના ભાગરૂપે “અઘોરી મ્યૂઝિક” બેન્ડે શાનદાર પર્ફોર્મન્સથી ઉપસ્થિત સર્વેને મંત્રમૂગ્ધ કર્યાં હતાં. અઘોરી ગૃપે ‘આપણાં મલકનાં માયાળું માનવી‘, ‘તું ભૂલો તો પડ ભગવાન….‘, ‘ઘડવૈયાં મારે ઠાકોરજી નથી થાવું..‘, ડાકલા-ગરબાનું ફ્યૂઝન, હિપ-હોપ સ્ટાઈલમાં ભાતીગળ સંસ્કૃતિના ગરબા અને દૂહા-છંદની રમઝટ બોલાવી હતી. “અઘોરી મ્યૂઝિક” ગૃપે વિવિધ લોકસંગીતની પ્રસ્તુતિઓ સાથે ગુજરાતની લોકસંસ્કૃતિની ધરોહરને ઉજાગર કરતી ગાથાઓ પણ રજૂ કરી હતી. “અઘોરી મ્યૂઝિક”ના શાનદાર પર્ફોર્મન્સ પર સ્થાનિક લોકો સાથે પ્રવાસીઓ પણ મન મૂકી થીરક્યાં હતાં. આ કાર્યક્રમમાં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ ઈન્દ્રજીતસિંહ વાળા, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, નિવાસ અધિક કલેક્ટર રાજેશ આલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જેમિની ગઢિયા, પ્રાંત અધિકારી વિનોદ જાેશી, જિલ્લા રમત વિકાસ અધિકારી, કાનજી ભાલિયા, જિલ્લા રમત ગમત અધિકારી વિશાલ દિહોરા, જનરલ મેનેજર વિજયસિંહ ચૌહાણ સહિત જનપ્રતિનિધિઓ, અગ્રણીઓ અને રમતમાં ભાગ લેવા આવેલા રમતવીરો ઉપસ્થિત રહ્યાં હતાં.