જૂનાગઢ મ્યુ. કોર્પોરેશનના વેપારી ભાડુઆત એસોસિએશન દ્વારા રજુઆત કરાઈ
જૂનાગઢ શહેરમાં મનપા હસ્તકની મિલ્કતોમાં ૭પ૦થી વધુ ભાડુઆતો રહે છે. દરમ્યાન તાજેતરમાં મનપાના બજેટમાં ૩૦ ટકાનો ભાડા વધારો કરવામાં આવતા તેનો જબ્બર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જૂનાગઢની મ્યુ. કોર્પોરેશનના વેપારી ભાડુઆત એસોસિએશન દ્વારા મહાનગરપાલિકાના મેયરને રજુઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત સબંધીતોને પણ પત્ર દ્વારા રજુઆત કરી અને તાત્કાલીક અસરથી આ ભાડા વધારો દુર કરવાની માંગણી કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનરે ૨૦૨૫-૨૬ના બજેટમાં મનપાની મિલ્કતોના ભાડામાં ૩૦ ટકાનો વધારો સૂચવ્યો છે. આ વધારાના વિરોધમાં ભાડુઆતોએ મેયર, ડેપ્યુટી મેયર અને અન્ય હોદ્દેદારોને રજૂઆત કરી છે. મહાનગરપાલિકાની કુલ ૭૫૦ જેટલી મિલકતો ભાડે આપવામાં આવી છે. આ મિલ્કતો સુખડી, પાઘડી અને ડિપોઝિટ જેવા વિવિધ માધ્યમોથી ભાડે અપાઈ છે. દરેક મિલ્કત માટે ટોકન દીઠ ભાડું વસૂલવામાં આવે છે. ભૂતકાળમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સમયમાં વેપારી એસોસિએશન અને મહાનગરપાલિકા વચ્ચે એક સમજૂતી થઈ હતી. આ સમજૂતી મુજબ, માત્ર દુકાન ટ્રાન્સફર થાય ત્યારે જ ટ્રાન્સફર ફી લેવાની અને મૂળ ભાડામાં માત્ર ૧૦ ટકાનો વધારો કરવાનો ર્નિણય લેવાયો હતો. વેપારીઓના મતે, હાલ મંદીનો સમયગાળો ચાલી રહ્યો છે અને વેપારીઓ પહેલેથી જ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આવા સમયે ૩૦ ટકા જેવો જંગી ભાડા વધારો વેપારીઓ માટે પરવડે તેમ નથી. તેથી વેપારી એસોસિએશને આ વધારો રદ કરવાની માંગણી કરી છે. આ રજુઆત એસોસિએશનના અગ્રણીઓ નૈસેધ જાેબનપુત્રા, દિપકભાઈ લાલવાણી, શૈલેષભાઈ દવે, અલ્પેશભાઈ ગૌદાનીયા, જીજ્ઞેશભાઈ તન્ના વિગેરે દ્વારા કરવામાં આવી હતી.