મોર્ડન ટેકનોલોજીના ઉપયોગ કરી સિંહોની વસ્તી ગણતરી થશે

0

૩ હજારથી વધારે વન વિભાગનો સ્ટાફ તૈનાત : ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં વન સંરક્ષક ડો. રામરતન નાલાએ વિસ્તૃત વિગતો આપી

૧૬મી સિંહ વસ્તી ગણતરીની કામગીરી ૧૩ મે દરમ્યાન કરવામાં આવનાર છે ત્યારે આ સંદર્ભે ગઈકાલે વન્યપ્રાણી વર્તુળ કચેરી સરદારબાગ ખાતે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. વન્યપ્રાણી વર્તુળ વિભાગના વન સંરક્ષક ડો. રામરતનનાલાએ સિંહ વસ્તી ગણતરી કાર્યક્રમની વિસ્તૃત વિગતો આપી હતી. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના ગીર અને બૃહદ-ગીર લેન્ડસ્કેપમાં જાેવા મળતા એશિયાઇ સિંહ(Panthera leo persica) વ્યાપક સંરક્ષણ અને વ્યવસ્થાપન પ્રયાસોનું કેન્દ્ર રહ્યું છે. વન વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવતી નિયમિત વસ્તી અંદાજની કામગીરી તેમની સંખ્યાનું મુલ્યાંકન અને સંરક્ષણમાં મળેલ સફળતાનું મુલ્યાંકન કરવામાં મદદ કરે છે. ગીર રક્ષિત વિસ્તારો માટેની વ્યવસ્થાપન આયોજન માર્ગદર્શીકા, ભાગ-૧(Management Plan for Gir PrOected Areas- volume 1)ના પ્રકરણ-૪ના પાના નં ૧૨૭માં દર્શાવ્યા મુજબ વન વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા દર પાંચ વર્ષે ડાયરેક્ટ બીટ વેરીફીકેશન જેને બ્લોક કાઉન્ટ પદ્ધતિ પણ કહેવામાં આવે છે તેનો ઉપયોગ કરી સિંહ વસ્તી અંદાજની કામગીરી કરવામાં આવે છે. આને અનુસરીને મે ૨૦૨૫માં ૧૬મી સિંહ વસ્તી અંદાજની કામગીરી કરવામાં આવનાર છે. આ વસ્તી અંદાજની કામગીરી કુલ ૩૫,૦૦૦ ચો. કીમી. વિસ્તારમાં હાથ ધરવામાં આવશે જેમાં ૧૧ જિલ્લાના ૫૮ તલુકાનો સમાવેશ થાય છે. ડાયરેક્ટ બીટ વેરીફીકેશન પદ્ધતિ એશિયાઇ સિંહોની વસ્તી અંદાજ માટે ખુબ ઉપયોગી છે. આ પદ્ધતિના કેટલાક વિશિષ્ટ ફાયદા છે. તેની આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણ બંનેમાં સરળતા તેને સહભાગીઓ માટે સમજવા અને લાગુ કરવામાં સરળ બનાવે છે. આ પદ્ધતિનો ઉપયોગ કરવાથી લગભગ ૧૦૦% ચોકસાઇ મળે છે અને સ્ટાંડર્ડ એરરનો અવકાશ લગભગ શુન્ય રહે છે. જંગલો, ઘાસના મેદાનો, દરિયાકાંઠાના વિસ્તારો, રેવન્યુ વિસ્તારો અને તેની વિશાળતા સહિત વિવિધ લેન્ડસ્કેપને ધ્યાનમાં લેતા આ પદ્ધતિ અસરકારક અને આવા વિવિધ રહેઠાણો માટે અનુકૂળ છે. આ પદ્ધતિ ઓછો સમય લેતી અને નવી તકનીકી પ્રગતિઓને સમાયોજીત કરવા માટે પુરતી લવચીક છે. વન વિભાગ, ગુજરાત રાજ્યએ ઐતિહાસિક જ્ઞાન અને વ્યાપક ક્ષેત્રીય કુશળતાનો ઉપયોગ કરીને ત્રણ દાયકાથી વધુ સમયથી આ પદ્ધતિનો સફળતાપૂર્વક અમલ કર્યો છે. કુશળ રીતે તાલીમ પામેલા ક્ષત્રિય સ્ટાફ આ પદ્ધતિના અમલીકરણમાં કુશળ છે, જે સિંહોની વસ્તીના અંદાજ માટે તેની વિશ્વસનીયતાને વધુ મજબૂત બનાવે છે. વધુમાં, આ પદ્ધતિનો ઉપયોગ અગાઉના વસ્તી અંદાજાે સાથે સીધી સરખામણી કરવા સક્ષમ બનાવે છે, કારણ કે તે સમાન પદ્ધતિનો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવેલ છે. આ વસ્તી વલણોનું વિશ્લેષણ કરવામાં અને સમય જતાં સંરક્ષણ પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં સુસંગતતા સુનિશ્ચિત કરે છે. ૧૬મી સિંહ વસ્તી અંદાજની કામગીરી ૧૦ થી ૧૩ મે વચ્ચે હાથ ધરવામાં આવનાર છે. આ વસ્તી અંદાજ હેઠળ પ્રથમીક ગણતરીની કામગીરી ૧૦મે ૧૪:૦૦ કલાક થી ૧૧મે ૧૪:૦૦ કલાક સુધી અને આખરી અંદાજની કામગીરી વરમે ૧૪:૦૦ કલાક થી ૧૩મે ૧૪:૦૦ કલાક સુધી હાથ ધરવામાં આવશે. આ વસ્તી અંદાજની કામગીરી માટે સમગ્ર વિસ્તારને શ્રેણીબદ્ધ એકમોમાં વિભાજીત કરવામાં આવેલ છે. ઉચ્ચતમ સ્તરે તેને રીજીયનમાં વિભાજીત કરવામાં આવેલ છે, જેને બાદમાં ઝોનમાં વિભાજીત કરવામાં આવેલ છે. દરેક ઝોન ને સબ-ઝોનમાં વિભાજીત કરવામાં આવેલ છે. સૌથી નિચલા સ્તરે વિસ્તારને ગણતરી એકમમાં વિભાજીત કરવામાં આવેલ છે. રક્ષિત વિસ્તારમાં બીટ અને રેવન્યુ વિસ્તારમાં ૩-૧૦ ગામોના જુથને ગણતરી એકમ તરીકે નિર્ધારીત કરવામાં આવેલ છે. સમગ્ર વિસ્તારને ૮ રીજીયન, ૩ર ઝોન, ૧૧ર સબ-ઝોન અને ૭૩૫ ગણતરી એકમોમાં વિભાજીત કરવામાં આવેલ છે. મુખ્ય વન સંરક્ષકઓ/વન સંરક્ષકઓને રીજનલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવશે. ઝોનનું નિરીક્ષણ નાયબ વન સંરક્ષક/મદદનીશ વન સંરક્ષક દ્વારા કરવામાં આવશે. સબ-ઝોનનું સંચાલન પરિક્ષેત્ર વન અધિકારી/વનપાલ દ્વારા કરવામાં આવશે. દરેક ગણતરી એકમનું નેતૃત્વ એક વન રક્ષક/વન રક્ષા સહાયક અથવા વનપાલ કરશે જે ગણતરીકાર તરીકે ફરજ બજાવશે, તેની સાથે બે મદદનીશ ગણતરીકાર રહેશે. તમામ ગણતરીકારો, સબ-ઝોનલ અધિકારીઓ, ઝોનલ અધિકારીઓ અને રીજનલ અધિકારીઓને સિંહોની નોંધ અને ચકાસણી કરવા માટે નિયત પત્રકો અને તેમના સોંપાયેલ વિસ્તારોના નકશા આપવામાં આવશે. આ પત્રકોમાં અવલોકનનો સમય, હિલચાલની દિશા, વન્યપ્રાણીઓની ઉમર, શરીર પર રહેલ કોઈ અનન્ય ઓળખ ચિન્હો, જીપીએસ લોકેશન, ગૃપ કંપોઝીશન વગેરે જેવી વિગતો નોંધવામાં આવશે. દરેક સબ-ઝોનલ અધિકારીઓને હાઇ-રીઝોલ્યુશન કેમેરા આપવામાં આવશે જેથી શક્ય હોય ત્યારે આગળ, બન્ને બાજુ, કાન, મોઢાના બન્ને બાજુના ફોટા પાડી શકાય. આવા ફોટાથી સિંહોની વ્યક્તિગત ઓળખ કરવામાં મદદ મળશે. આ કામગીરીમાં પારદર્શિતા વધારવા માટે, વન વિભાગના અધિકારીઓ ઉપરાંત, રાષ્ટ્રીય અને રાજ્ય વન્યજીવ બોર્ડના સભ્યો, વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો અને સિંહ વ્યવસ્થાપન અને તેના વર્તનના અનુભવી વ્યક્તિઓને નિરીક્ષક તરીકે આમંત્રિત કરવામાં આવશે. વધુમાં, વિવિધ ક્ષેત્રોના રસ ધરાવતા વ્યક્તિઓ અને NGOના સભ્યો પાસેથી નિર્ધારિત ફોર્મેટમાં અરજીઓ મંગાવવામાં આવશે. ૧૬મી સિંહ વસ્તી અંદાજમાં રીનલ અધિકારીઓ, ઝોનલ અધિકારીઓ, સબ-ઝોનલ અધિકારીઓ, ગણતરીકારો, મદદનીશ ગણતરીકારો, નિરીક્ષકો અને સ્વયંસેવકો સહિત લગભગ ૩,૦૦૦ વ્યક્તિઓ ભાગ લે તેવી અપેક્ષા છે. આ વસ્તી અંદાજની કામગીરીમાં મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. વ્યક્તિગત ઓળખમાં મદદ થાય તે હેતુથી ફોટોગ્રાફ્સ લેવા માટે ડિજિટલ કેમેરા, કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. અમુક સિંહોને રેડિયો કોલર પહેરાવવામં આવેલ છે, જે તે સિંહ તેમજ તેના ગૃપનુ લોકેશન મેળવવામાં મદદ કરશે. e-GujForest એપ્લીકેશન સિંહ અવલોકનના રિયલ ટાઈમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થશે, જેમાં જીપીએસ લોકેશન અને ફોટાનો સમાવેશ થવાથી ચોકસાઈ અને કાર્યક્ષમતા સુધરશે. જીઆઇએસ સોફ્ટવેરનો ઉપયોગ સર્વેક્ષણ વિસ્તારોને રેખાંકિત કરવા અને સિંહોની હિલચાલ, વિતરણ પેટર્ન અને રહેઠાણના ઉપયોગને ટ્રેક કરવા માટે વિગતવાર નકશા વિકસાવવા માટે કરવામાં આવશે. જાે જરૂર જણાશે તો ફોટાનો ઉપયોગ કારી સિંહોની વ્યક્તિગત ઓળખ કરી શકતા AI આધારીત સોફ્ટવેર સિમ્બા (સોફ્ટવેર વિથ માર્કીંગ બેઇઝડ આઇડેન્ટીફીકેશન ઓફ એશિયાટીક લાયન)નો ઉપયોગ કરવામાં આવશે. આ સચોટ ડેટા સંગ્રહ અને વિશ્લેષણ સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. કામગીરી દરમ્યાન નોંધવામાં આવેલ ડેટાનું સંકલન કરવામાં આવશે જેનું વિશ્લેષણ કરી અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ૧૬મી સિંહ વસ્તી અંદાજની કામગીરી ચોક્સાઇથી કરી શકાય તે માટે વિવિધ તાલીમોનું આયોજન કરવામાં આવેલ છે તેમજ ક્ષેત્રિય સ્ટાફ દ્વારા હાલ સધન ચકાસણી કરવામાં આવે છે તેમજ દરેક પુનમ અવલોકન અને રૂટીન અવલોકનની કામગીરી સિંહ ગણતરીના સમયે ઉપયોગમાં લેવામાં આવનાર પદ્ધતિ દ્વારા જ કરવામાં આવી રહી છે.

error: Content is protected !!