નીટ પેપર લીક મુદ્દે વેરાવળમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, 40થી વધુ આગેવાનોની અટકાયત

પોલીસ દમનનો આક્ષેપ કરી કોંગ્રેસનો સૂત્રોચ્ચાર, જિલ્લા પ્રમુખ પુંજા વંશ અને ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત કાર્યકરોની અટકાયત

નીટ પેપર લીક મુદ્દે વેરાવળમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, 40થી વધુ આગેવાનોની અટકાયત

વેરાવળ તા.24
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. નીટ પેપર લીક મુદ્દે ચાલી રહેલા આંદોલનમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા દમનના વિરોધમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો વેરાવળના ટાવર ચોક ખાતે એકત્ર થયા હતા. હાથમાં પ્લેકાર્ડ સાથે કોંગ્રેસના કાર્યકરોએ સરકાર અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજા વંશની આગેવાનીમાં યોજાયો હતો, જેમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જાેડાયા હતા. વિરોધ પ્રદર્શન દરમ્યાન પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજા વંશ, ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 40થી વધુ કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશે પોલીસ પર પક્ષપાતનો આક્ષેપ કરતાં જણાવ્યું કે, ભાજપના લોકો વિરોધ કરે ત્યારે પોલીસ મૌન રહે છે, પરંતુ કોંગ્રેસ જનહિતના મુદ્દે અવાજ ઉઠાવે ત્યારે અટકાયત કરવામાં આવે છે. તેમણે પોલીસ ભાજપના ઈશારે કામ કરતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.